નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહની સમીક્ષા બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, ગૃહમંત્રીએ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને આતંકવાદના ઈકોસિસ્ટમને નષ્ટ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. સમીક્ષા બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી ઓપરેશન એ જ ગતિએ ચાલુ રહેશે જે રીતે વર્તમાન સમયથી ચાલી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયેલી સમિક્ષા બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિંહા, એનએસએ અજીત ડોભાલ અને સેના અને જમ્મુ અને કાશ્મીર અને ભારત સરકારના ઘણા અધિકારીઓએ ઉપસ્થિત રહ્યાં હતા.
અમિત શાહે અમરનાથ યાત્રાના સફળ સંચાલન માટે સુરક્ષા એજન્સીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પ્રશાસનના પ્રયાસોની પ્રશંસા કરી હતી. બેઠકમાં, ગૃહ પ્રધાને જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો પર સરહદ અને એલઓસીને અભેદ્ય બનાવવા માટે તેમના સંકલિત પ્રયાસો ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો.
અમિત શાહે જણાવ્યું હતું કે, એક વખત આતંકવાદીઓ, હથિયારો અને દારૂગોળાની સીમાપારથી હિલચાલનો ડર ખતમ થઈ જશે તો જમ્મુ અને કાશ્મીરના લોકો સુરક્ષા દળોની મદદથી આ પ્રોક્સી વોરમાં નિર્ણાયક જીત મેળવશે. ગૃહમંત્રીએ કહ્યું કે સામાન્ય માણસની ભલાઈ માટે આતંકવાદી-અલગતાવાદી ઝુંબેશને મદદ, પ્રોત્સાહન અને ટકાવી રાખનારા તત્વોથી બનેલા આતંકવાદી ઇકોસિસ્ટમને ખતમ કરવાની જરૂર છે.