Site icon Revoi.in

અમદાવાદમાં નિર્ણયનગરમાં અસામાજિક તત્વોનો આતંક, 40 વાહનોના કાચ તોડ્યાં

Social Share

અમદાવાદ: શહેરના નિર્ણયનગર વિસ્તારમાં  કેટલાક અસામાજિક તત્વો દ્વારા સંખ્યાબંધ વાહનોમાં તોડફોડ કરવામાં આવતા રહિશોમાં ડરનો માહોલ ઊભો થયો  છે. રવિવારે મોડીરાત્રે અસામાજિક તત્વોએ વાહનો સિવાય ATMમાં પણ તોડફોડ કરી હતી.  રસ્તા પર પાર્ક કરવામાં આવેલી કાર અને રિક્ષાના કાચ તોડી નાંખવામાં આવ્યા છે. આ ઘટનામાં 20 જેટલા  ટપોરી તત્વોએ તોડફોડ કર્યાની શક્યતા સેવવામાં આવી રહી છે. એટલું જ નહીં અસામાજિક તત્વોનો ત્રાસ આટલેથી અટક્યો નહોતો, તેમણે મોડીરાત્રે કેટલાક લોકોને માર પણ માર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરાતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલા નંદનવન આવાસ યોજનામાં રવિવારે મોડી સાંજે પાર્ક કરાયેલી ગાડીઓ અને બાઇકોમાં તોડફોડ કરવામાં આવી છે. અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે 40 જેટલા વાહનોના કાચ તોડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અસામાજિક તત્વોએ નંદનવન આવાસ યોજનાની અંદર જ નહીં, બહાર રોડ પર પાર્ક થયેલી કેટલીક ગાડીઓ અને રિક્ષાના કાચ પણ તોડી નાંખ્યા હતા. જેના કારણે સ્થાનિકો પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે અને વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થયો હતો. આ બનવામાં લુખ્ખાગીરી કરતા રોહિત ઠાકોરનું નામ સામે આવ્યું છે. જેની સામે પાસા સહિતનો ગુનો નોંધાયો છે. તેની સાથે 20 જેટલા ટપોરીઓ હતા. સ્થાનિકોના દાવા મુજબ 20 જેટલા બાઈકસવારો દ્વારા વાહનોમાં તોડફોડ કરાઈ છે. જાણવા મળી રહ્યું છે કે, નિર્ણયનગર વિસ્તારમાં આવેલા નંદનવન આવાસ સોસાયટીમાં મોડી રાત્રે 10.30 કલાકે 20 જેટલા બાઈકસવારો હાથમાં બેટ, લાકડી, હોકી અને તલવાર સાથે તોડફોડ કરવામાં આવી હતી. વાડજ વિસ્તારમાં ગુનેગારો વધવા પાછળ પોલીસની ઢીલી નીતિ જવાબદાર છે. વાડજ વિસ્તારમાં બનેલી ઘટનામાં પોલીસે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.