જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલોઃ ત્રાસવાદીઓએ પ્રથમ બસના વ્હીલ ઉપર કર્યું હતું ફાયરિંગ
દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સોમવારે સાંજે એક બસમાં 9મી બટાલિયનના જવાનો પોલીસ કેમ્પમાં જઈ રહ્યાં હતા. દરમિયાન આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીર પોલીસની બસ પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ પોલીસકર્મીઓ શહીદ થયાં હતા અને 11 અન્ય ઘાયલ થયા હતા. આ હુમલો શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં થયો હતો.
પોલીસે જણાવ્યું કે બે પોલીસ કર્મચારી એએસઆઈ ગુલામ હસન અને એસજીસી (સિલેકશન ગ્રેડ કોન્સ્ટેબલ) સફીક અલી શહીદ થયાં હતા. આ સિવાય મંગળવારે વધુ એક જવાન શહીદ થયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે શ્રીનગરના બદામી બાગ સ્થિત સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાને નજરે જોનારઓએ જણાવ્યું હતું કે, મોટરસાઈકલ ઉપર આવેલા હેલ્મેટધારી આતંકવાદીઓએ બસની ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. કેટલાક આતંકવાદીઓએ બસને નિશાન બનાવી અને કેટલાક બસના પૈડાં પર ફાયરિંગ કરતા હતા. સૂત્રોએ જણાવ્યું કે બસના ચારેય ટાયર પર ગોળીબાર કર્યા બાદ આતંકીઓએ તેને પંચર કરી દીધી હતી. બસ ઊભી રહી અને આતંકવાદીઓએ નજીકથી બસ પર ગોળીઓ વરસાવી. સ્થાનિક લોકોએ ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં પોલીસકર્મીઓની મદદ કરી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બસમાં 25 પોલીસકર્મીઓ સવાર હતા. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે જણાવ્યું હતું કે હુમલામાં બેથી ત્રણ આતંકવાદીઓ સામેલ હતા અને તેઓ અંધકારનો લાભ લઈને ભાગી ગયા હતા. આતંકીઓને પકડવા માટે વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. હુમલાખોરોને પકડવા માટે વ્યાપક શોધખોળ શરૂ કરવામાં આવી છે. આતંકી હુમલા માટે જવાબદાર નવા આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સ સામેલ હોવાની માહિતી મળી રહી છે. તે લશ્કર સાથે જોડાયેલી સંસ્થા હોવાનું કહેવાય છે.
કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યું હતું કે, બસમાં 25 જવાનો સવાર હતા ત્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ દરમિયાન એક આતંકવાદીને પણ ગોળીવાગી હતી. તેમ છતા તે ભાગવમાં સફળ રહ્યો હતો. આરોપીઓને ઝડપથી ઝડપી લેવામાં આવશે.