નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. સુરક્ષા એજન્સીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. શિવખોડી ધામથી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર હુમલામાં લશ્કર-એ-તૈયબાના ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ સામેલ હતા. લશ્કર કમાન્ડર અબુ હમઝા પણ આમાં સામેલ હોવાની આશંકા છે. આતંકીઓએ હુમલામાં અમેરિકન એમ-4 રાઈફલ્સનો ઉપયોગ કર્યો હતો. ચોથા આતંકીની હાજરીની પણ આશંકા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદીઓની શોધમાં રિયાસી અને રાજોરીના જંગલોમાં ડ્રોન અને સ્નિફર ડોગ્સની મદદથી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને રાજ્ય તપાસ એજન્સીની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા હતા. તપાસ અધિકારીઓએ જણાવ્યું કે, બસમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ અને પ્રત્યક્ષદર્શીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર ચોથો આતંકવાદી હુમલાખોરોને કવર પૂરુ પાડી રહ્યો હતો. એવી આશંકા છે કે રિયાસી અને રાજોરીને અડીને આવેલા જંગલોની ઊંચી ટેકરીઓ પરની ગુફાઓમાં આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે.
રવિવારે થયેલા હુમલામાં બસમાં મુસાફરી કરી રહેલા નવ લોકોના મોત થયા હતા. જેમાંથી ત્રણ ઉત્તર પ્રદેશના અને ચાર રાજસ્થાનના હતા. બસના ડ્રાઈવર અને કંડક્ટર રિયાસીના હતા. રાજસ્થાનના તમામ મૃતકો એક જ પરિવારના હતા. જેમાં પૂજા અને તેનો બે વર્ષનો પુત્ર ટીટુ સાહનીનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાંથી પાંચના શરીર પર ગોળીઓના નિશાન હતા. જ્યારે 41 ઘાયલોમાંથી 10ને ગોળી વાગી હતી. દરમિયાન જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.