- જમ્મુ-કાશ્મીરમાં 8 કલાકમાં બીજો આતંકી હુમલો
- હવે CRPFની ટીમ પર ચલાવવામાં આવી ગોળી
- એક પોલીસકર્મી ઘાયલ થવાના અહેવાલ
12 ઓગસ્ટ,શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના અનંતનાગના બિજબેહરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે બપોરે પોલીસ અને CRPFની ટીમ પર આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.જેમાં એક પોલીસકર્મી ઘાયલ થવાના અહેવાલ છે.જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સાથે જ આતંકીઓને કાબૂમાં લેવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
કાશ્મીર પોલીસે તેના ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી આપી છે.પોલીસે ટ્વિટ કર્યું, “આતંકવાદીઓએ અનંતનાગના બિજબેહરા વિસ્તારમાં પોલીસ/સીઆરપીએફ જોઈન્ટ નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો.આ આતંકવાદી ઘટનામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.હાલ શોધખોળ શરુ છે.
આઠ કલાકમાં આ બીજી આતંકવાદી ઘટના છે.આ પહેલા શુક્રવારે વહેલી સવારે બાંદીપોરામાં બિહારના એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.છેલ્લા 10 મહિનામાં આતંકવાદીઓએ બિહારના 7 લોકોની ગોળી મારીને હત્યા કરી છે.