પાકિસ્તાનમાં આતંકીઓ ઉપદ્રવ યથાવતઃ ગણતરીના કલાકોમાં ચાર સ્થળો ઉપર બોમ્બ બ્લાસ્ટ, 9ના મોત
નવી દિલ્હીઃ આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દરરોજ દેશના કોઈને કોઈ ભાગમાં આતંકવાદી હુમલાના સમાચાર આવે છે. દરમિયાન ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના અશાંત આદિવાસી વિસ્તારોમાં ચાર અલગ-અલગ આતંકવાદી ઘટનાઓ બની હતી. આ હુમલાઓમાં બે જવાનો સહિત 9 લોકો માર્યા ગયા હોવાનું જાણવા મળે છે અને ઘણા લોકો ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વજીરીસ્તાન, દક્ષિણ વજીરીસ્તાન અને બજૌર આદિવાસી જિલ્લાઓમાં બોમ્બ વિસ્ફોટ થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર વઝીરિસ્તાન જિલ્લાના રાજમક વિસ્તારમાં સુરક્ષાદળોના કાફલા પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં બે જવાનો શહીદ થયા હતા. આ ઉપરાંત દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના વાનામાં એક દુકાનમાં બોમ્બ વિસ્ફોટમાં વૃદ્ધ અસલમ નૂર, તેના બે પુત્રો અને એક સ્થાનિક દુકાનદાર માર્યા ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમજ બાજૌર આદિવાસી જિલ્લામાં બે અલગ-અલગ વિસ્ફોટ થયા. પ્રથમ બોમ્બ વિસ્ફોટ એક કારમાં થયો હતો, જેમાં બે સામાજિક કાર્યકરો માર્યા ગયા હતા. બીજો હુમલો મામોંદ તહસીલના દામડોલામાં રોડ કિનારે થયો હતો. આ બોમ્બ વિસ્ફોટમાં JUIF નેતા અમીર ઉલ ઈસ્લામના પિતા સત્તાર ખાન ઉસ્તાદ માર્યા ગયા હતા.
પાકિસ્તાનમાં તાજેતરના મહિનાઓમાં આતંકવાદની ઘટનાઓમાં વધારો થયો છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને અન્ય આતંકવાદી સંગઠનોએ સુરક્ષા દળો સામેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવી છે અને ઘણીવાર નાગરિકો પણ તેમના નિશાન બને છે.
(PHOTO-FILE)