દુનિયામાં ફરી એકવાર આતંકનો કાળો ચહેરો દેખાયો, નાઈજીરિયામાં 110 વ્યક્તિઓની હત્યા
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો આતંકવાદની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તેમજ આતંકવાદને નાથવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ઉત્તર-પશ્ચિમ નાઈજીરિયામાં કટ્ટરવાદી ઈસ્લામિક સંગઠન બોકો હરામના આતંકવાદીઓએ ખેતરમાં કામ કરતા 110 જેટલા શ્રમજીવીઓની ઘાતકી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી સંયોજક એડવર્ડ કલ્લોનએ જણાવ્યું હતું કે, બોકો હરામના આતંકવાદીઓએ ઓછામાં ઓછા 110 લોકોની નિર્દયતાથી હત્યા કરી છે. એટલું જ નહીં આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયાં છે. આ ઘટના નાઈજીરિયાના મૈદુગુરી નજીક આવેલા કોશીબેનીમાં બની હોવાનું જાણવા મળે છે.
મૈદુગુરી નજીક કોશીબેનીમાં ડાંગરના ખેતરમાં શ્રમજીવીઓ કામ કરતા હતા. ત્યારે આતંકવાદીઓએ હુમલો કરીને 110 જેટલા શ્રમજીવીઓની ઘાતકી હત્યા કરી હતી. આતંકવાદ પ્રભાવી આ વિસ્તારમાં આતંકવાદીઓએ શ્રમજીવીઓને પહેલા બાંધીને ક્રુરતાપૂર્વક તેમના ગળાકાપી હત્યા કરી હતી.
નાઇજિરીયાના રાષ્ટ્રપતિ મહંમદ બુહારીએ આ હુમલાની નિંદા કરતા જણાવ્યું હતું કે, આ હત્યાઓથી આખો દેશ ઘાયલ થયો છે. મિલિશિયાના નેતા બાબાકુરા કોલોએ જણાવ્યું હતું કે 43 થી વધુ લોકોના ગળા કાપી હત્યા કરવામાં આવી છે… પીડિતો સોકોટો રાજ્યના મજૂર હતા અને તેઓ કામની શોધમાં ઉત્તરપૂર્વમાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાઈજીરિયામાં છેલ્લા કેટલાક સમયથી કટ્ટરપંથીઓની ચાંચિયાગીરી વધી છે. એટલું જ નહીં વર્ષ 2009 બાદ અહીં અત્યાર સુધીમાં 36 હજાર લોકોની હત્યા કરવામાં આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. કટ્ટરપંથીઓની ચાંચિયાગીરીને કારણે અત્યાર સુધીમાં લગભગ 20 લાખથી વધારે લોકોએ હિજરત કરી હોવાનું પણ જાણવા મળે છે.