ISIના ઈશારે ભારતમાં ભાંગફોડ કરવા આતંકવાદીઓ ઘુસણખોરીની કરી રહ્યાં છે તૈયારીઓ
- એનઆઈએની ટીમે 18 સ્થળો ઉપર દરોડા
- મોટા આતંકવાદી નેટવર્કનો થયો પર્દાફાશ
- આતંકી મોડ્યુલો મળીને ઘાટીમાં ષડયંત્ર રચી રહ્યા છે
દિલ્હીઃ કાશ્મીર ઘાટીમાં લઘુમતીઓ ઉપર હુમલાઓના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન દિલ્હીમાંથી પોલીસે પાકિસ્તાની આતંકવાદીને ઝડપી લીધો હતો. દરમિયાન નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે એનઆઈએએ દિલ્હી-એનસીઆર, યુપી, જમ્મુ અને કાશ્મીર સહિત 18 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા છે. આ સાથે એક મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ થયો છે. તાજેતરમાં 10 ઓક્ટોબરના રોજ લશ્કર, જૈશ, હિઝબુલ, અલ-બદર અને અન્ય આતંકી મોડ્યુલ અંગે કેસ નોંધવામાં આવ્યો હતો. તેમાં લખવામાં આવ્યું છે કે આ તમામ આતંકી મોડ્યુલો મળીને ઘાટીમાં ષડયંત્ર રચી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર એક ગુપ્તચર અહેવાલ અનુસાર, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI એક મોટું કાવતરું ઘડી રહી છે. ગુપ્તચર અહેવાલો અનુસાર, ISI ના નિશાન પર દેશના ઘણા મોટા શહેરો અને ગીચ બજારો છે, જ્યાં તહેવારોની સીઝનમાં IED બ્લાસ્ટનું કાવતરું ઘડી શકાય છે. પ્લાસ્ટિકના લંચ બોક્સ દ્વારા બ્લાસ્ટનું કાવતરું ઘડી શકાય છે. ISI ના ઈશારે આતંકવાદી સંગઠનો કાસ નાલા, કાંચી ગેંગ અને દાણચોરી ગેંગ દ્વારા ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ, ગુપ્તચર અહેવાલો બાદ દેશની સરહદ પર સુરક્ષા કડક કરવામાં આવી છે. કાશ્મીરની ઘાટીમાં આતંકવાદી સંગઠનો ફરી કવાર સક્રિય થવા સુરક્ષા એજન્સીઓ વધારે સતર્ક બની છે. તેમજ આતંકવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે.