આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ મુંબઈના માઉન્ટ મેરી ચર્ચને ઉડાવી દેવાની ધમકી આપી
મુંબઈ:મહારાષ્ટ્રના મુંબઈના સૌથી પોશ વિસ્તારો પૈકીના એક એવા બાંદ્રા સ્થિત પ્રખ્યાત માઉન્ટ મેરી ચર્ચ બાંદ્રાને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે.ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે,લશ્કર-એ-તૈયબા નામનું આતંકવાદી સંગઠન માઉન્ટ મેરી ચર્ચ પર આતંકી હુમલો કરનાર છે.આ ઈમેલ બાદ હોબાળો મચી ગયો હતો.આ બાબતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ મામલાની માહિતી મળ્યા બાદ બાંદ્રા પોલીસે એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 505 (3) હેઠળ કેસ નોંધ્યો છે.પોલીસનું કહેવું છે કે,આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેનો ખુલાસો કરવામાં આવશે.પોલીસનું કહેવું છે કે terrorist@gmail.com એડ્રેસ પરથી માઉન્ટ મેરી ચર્ચ બાંદ્રાને ઈમેલ મોકલવામાં આવ્યો છે.
પોલીસનું કહેવું છે કે,આ પછી બીજો ઈમેલ આવ્યો છે, જેમાં મોકલનારએ દાવો કર્યો છે કે તે બાળકની માતા છે જેણે ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો.ઈમેલ મોકલનારએ માફી માંગીને કહ્યું છે કે તેનું બાળક માનસિક રીતે અસ્થિર છે, તેથી તેણે આવું પગલું ભર્યું છે.હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.