નવી દિલ્હી: અલગતાવાદી નેતા અને ટેરર ફંડિંગ કેસમાં જેલમાં બંધ યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન મલિકને પાકિસ્તાન સરકારમાં મોટી જવાબદારી મળી છે. તેમને કેરટેકર વડાપ્રધાન અનવર ઉલ હકની કેબિનેટમાં સ્થાન મળ્યું છે. મુશાલ મલિક પીએમ અનવર-ઉલ-હકના વિશેષ સહાયક હશે. તેમણે ગુરુવારે શપથ લીધા હતા. મુશાલ મલિક ઉપરાંત જલીલ અબ્બાસ જિલાનીને વિદેશ મંત્રી, સરફરાઝ બુગ્તીને ગૃહ મંત્રી, ડૉ. શમશાદ અખ્તરને નાણાં મંત્રી, જનરલ (આર) અનવર અહેમદ સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. કેરટેકર પીએમ અનવર ઉલ હકની કેબિનેટે આજે શપથ લીધા.
સુત્રોના જણાવ્યા અનુસાર યાસીન મલિકની પત્ની મુશલ હુસૈનનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેમના પિતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અર્થશાસ્ત્રી હતા, જ્યારે તેમની માતા પાકિસ્તાન મુસ્લિમ લીગની મહિલા પાંખના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી હતા. મુશાલના ભાઈ હૈદર અલી મલ્કી વિદેશ નીતિના વિદ્વાન અને યુએસમાં પ્રોફેસર છે. મુશાલને પેઇન્ટિંગનો ખૂબ જ શોખ છે. તેણે છ વર્ષની ઉંમરે ચિત્રકામ શરૂ કર્યું. તે અર્ધ-નગ્ન ચિત્રો માટે ખૂબ જ લોકપ્રિય છે. તેમણે કાશ્મીરના લોકોની વ્યથિત સ્થિતિ દર્શાવતી અનેક ચિત્રો બનાવી છે. તે પાકિસ્તાનમાં પીસ એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશનની ચેરપર્સન પણ છે. આ સંસ્થા વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટે કામ કરે છે અને સંસ્કૃતિ અને વારસાને બચાવવાનું કામ કરે છે.
મુશાલ સાથે યાસીનની પહેલી મુલાકાત 2005માં થઈ હતી. તે સમયે યાસીન કાશ્મીરી અલગતાવાદી ચળવળને સમર્થન મેળવવા ઈસ્લામાબાદ ગયો હતો. મુશાલે તે કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી જ્યાં યાસીને ફૈઝ અહેમદ ફૈઝની લોકપ્રિય કવિતા હમ દેખેંગે સંભળાવી હતી. બાદમાં બંનેએ 2009માં લગ્ન કરી લીધા હતા.