પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન ઉપર કર્યો હુમલો, 10 પોલીસ કર્મચારીઓના મોત
નવી દિલ્હીઃ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આજે એક પોલીસ સ્ટેશન પર થયેલા આતંકવાદી હુમલામાં 10 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. આ આતંકવાદી હુમલો ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના તહેસીલ દરબનના ચોડવાન પોલીસ સ્ટેશનમાં થયો હતો. આ હુમલામાં અન્ય છ ઘાયલ થયા હતા.
પ્રાદેશિક અખબારના અહેવાલો અનુસાર, પ્રાંતીય સરકારે 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા બનેલી આ ઘટનાની સખત નિંદા કરી છે. પ્રાદેશિક પોલીસ અધિકારી (RPO) નાસિર મહમૂદે મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી. આ હુમલાથી ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં સુરક્ષાની ચિંતા વધી ગઈ છે. કાર્યવાહક મુખ્ય પ્રધાન જસ્ટિસ (નિવૃત્ત) અરશદ હુસૈન શાહે હુમલાની નિંદા કરી હતી. તેમણે શહીદોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.
પોલીસે કહ્યું હતું કે, આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. ઘાયલોને DHQ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને ચારે બાજુથી ઘેરી લીધું, ગ્રેનેડ ફેંક્યા અને ગોળીબાર કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. શહીદ પોલીસકર્મીઓના અંતિમ સંસ્કાર પોલીસ લાઈન્સમાં કરવામાં આવશે.