- સાબરમતી જેલમાં સર્જાયેલા સુરંગકાંડનો કેસ પડતર
- બોમ્બ બ્લાસ્ટમાં 500થી વધારે ચાર્જશીટ કરાઈ
અમદાવાદઃ શહેરમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અદાલતે 48 આરોપીઓને કસુરવાર ઠરાવીને 38ને મોતની સજા તથા 11 આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન 1163 જેટલા સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યાં હતા. જ્યારે હલુ આ કેસમાં આઠ આરોપીઓને પોલીસ શોધી રહી છે. તેમજ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ સામે અમદાવાદની સાબરમતી જેલમાં સર્જાયેલા સુરંગકાંડની સુનાવણી પડતર છે.
કેસની હકીકત અનુસાર અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં પોલીસે 75થી વધારે આરોપીઓને ઝડપી લીધા હતા. તેમજ તેમની સામે અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવી હતી. આ કેસમાં અલગ-અલગ રીતે આરોપીઓ સામે 500થી વધારે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. ચાર્જશીટમાં લગભગ 50 લાખથી વધારે પાનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે સાક્ષીઓ તપાસીને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યાં હતા. સુનાવણી દરમિયાન લગભગ 1163 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. લગભગ 1237 સાક્ષીઓને રાજ્ય સરકાર દ્વારા પડતા મુકાયા હોવાનું જાણવા મળે છે.
અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટના બીજા દિવસે સુરતમાંથી મોટી સંખ્યામાં બોમ્બ મળી આવ્યાં હતા. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની 20 અને સુરતમાં 15 જેટલી ફરિયાદો નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 77 જેટલા આરોપીઓ સામે કેસ ચલાવવામાં આવ્યો હતો. હજુ આઠ આરોપીઓ ફરાર છે.