અમદાવાદ : આફ્રિકન દેશમાં કોરોનાનો નવો વેરિયેન્ટ જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. તેમજ કેન્દ્ર સરકારે વિવિધ રાજ્ય સરકારોને સતર્ક રહેવા તાકીદ કરી હતી. અમદાવાદ એરપોર્ટ ઉપર વિદેશથી આવતા પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ એરપોર્ટ ઉપર વિદેશથી 400 જેટલા પ્રવાસીઓ આવ્યાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઇને અમદાવાદ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ પણસ સતર્ક બન્યો છે. જેમાં વિદેશથી આવતા મુસાફરોનું અમદાવાદ એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ છેલ્લા બે દિવસમાં 400થી વધારે લોકો વિદેશથી અમદાવાદ આવ્યા છે, ત્યારે આ તમામ લોકોનો કોર્પોરેશને સંપર્ક કર્યો છે અને જરૂરી સૂચના આપી છે.
આ નિયમ મુજબ વિદેશથી પરત અમદાવાદ ફરેલા લોકોએ 7 દિવસ બાદ ટેસ્ટ કરાવી કોર્પોરેશનને જાણ કરવી પડશે. વિદેશથી આવનાર તમામ મુસાફરોએ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે અને હોમ આઇસોલેશનનો ભંગ કરનાર સામે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે.મહત્વનું છે કે, હાલ અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટનો એક પણ કેસ નથી નોંધાયો.
(PHOTO-FILE)