અમદાવાદમાં હવે મ્યુનિ.ના અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર તાવ, ડેન્ગ્યુ સહિતના ટેસ્ટ મફતમાં
અમદાવાદઃ શહેરમાં તાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઈફોડના ટેસ્ટ કે સોનોગ્રાફી કરાવવા માટે ખાનગી લેબ.માં શહેરીજનોને જવાની ફરજ પડતી હતી. અથવા તો સરકારી હોસ્પિટલો કે ટ્રસ્ટની હોસ્પિટલો સુધી લાંબા થવું પડતું હતું. હવે મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ સેન્ટરો પર આવા ટેસ્ટ કરાવી શકાશે, મ્યુનિ.ના તમામ 90 અર્બન હેલ્થ સેન્ટરો, 11 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં હવે મોટાભાગના પ્રાથમિક ટેસ્ટ થઈ શકશે. દર્દીના બ્લડ ટેસ્ટ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોઇડ અને ડાયરીયા સહિતના ટેસ્ટ મફતમાં કરાવી શકાશે. રૂ. 2 કરોડથી વધુના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર મશીનો કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો ઉપર સોનોગ્રાફી મશીન પણ મૂકી દેવામાં આવ્યા છે, જેથી હવે દર્દીઓને ક્યાંય બહાર સોનોગ્રાફી કરાવવાની જરૂર પડશે નહીં.
હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે, તમામ અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો પર તાવ, ડેન્ગ્યુ, ટાઈફોઈડ, ચિકનગુનિયા સહિતના ટેસ્ટ માટેના મશીનો કાર્યરત થઇ ગયા છે. દર્દીઓને હવે પ્રાથમિક જે પણ ટેસ્ટ કરાવવાની જરૂર પડે છે. હવે મફતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર કરી આપવામાં આવશે. દરમિયાન એએમસીના આરોગ્ય વિભાગના વડા ડો ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, તમામ 90 અર્બન હેલ્થ સેન્ટરો ઉપર રેડ બ્લડ સેલ માપવા માટેના CBC મશીન રૂપિયા 1.5 કરોડના ખર્ચે મૂકવામાં આવ્યા છે. તાવ આવે ત્યારે રેડ બ્લડ સેલ માપવા માટે ઉપયોગમાં લેવાય છે. તમામ 11 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો ઉપર ડેન્ગ્યુ અને ચીકનગુનિયા માટે પણ રૂપિયા 30 લાખના ખર્ચે મશીન મૂકવામાં આવ્યા છે. ડાયરીયા અને ટાઈફોઇડના ટેસ્ટ માટે ઇલેક્ટ્રોલ મશીનની જરૂર પડે છે. જે રૂપિયા 30 લાખના ખર્ચે તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત સોનોગ્રાફી મશીન અને ડાયાબિટીસ માટેના પણ મશીનને ખરીદી કુલ 10 પ્રકારના રૂ. 2.5 કરોડના ખર્ચે આ મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે.
તેણણે વધુમાં જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન સામાન્ય રીતે રોગચાળો વધતો હોય છે. વિવિધ વિસ્તાર અને ઝૂંપડપટ્ટીઓમાં બીમારીનું પ્રમાણ વધતું હોય છે, જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. શુક્રવારે મળેલી હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં ચાલુ વર્ષે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 20 જેટલા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો. 10 ઓગસ્ટ બાદ આ મેગા મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવશે, જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવશે. એક મેડિકલ કેમ્પ પાછળ મંડપ, લાઈટ, ચા પાણી અને પ્રચાર-પ્રસાર મળી કુલ રૂ. 5 લાખનો ખર્ચ કરવામાં આવશે. મેડિકલ કેમ્પમાં ભાગ લેનારા દર્દીઓને મફતમાં દવા અને સારવાર કરવામાં આવશે.