અમદાવાદઃ રાજ્યમાં આજે શિક્ષક માટેની ટેટ-2 પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી. પેપર સહેલું લાગતા મોટાભાગના પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રની બહાર હસતા બહાર નીકળતા જોવા મળ્યા હતા. સેવા પસંદગી મંડળના સત્તાધિશોએ પણ શાંતિપૂર્ણ પરીક્ષા સંપન્ન થતાં રાહત અનુભવી હતી.
રાજ્યમાં TET-2 પરીક્ષામાં 2.5 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષામાં નોંધાયા હતા. ધોરણ 6થી 8ના વિવિધ વિષયોમાં શિક્ષક તરીકે એલિજિબલ થવા માટે આ પરીક્ષા લેવામાં આવી હતી. આગામી સમયમાં શિક્ષકોની ભરતીની શક્યતાને જોતા ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. અમદાવાદમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પરીક્ષાર્થીઓનો નંબર ફાળવાયો હતો. જો કે, પરીક્ષાનો સમય બપોરે 3થી 5નો હોવાથી પરીક્ષાર્થીઓને ગરમીમાં પરેશાન થયા હતા. પરીક્ષા કેન્દ્રો પર બહાર વિદ્યાર્થીઓ માટે પાણીની વ્યવસ્થા પણ જોવા મળી નહોતી.
અમદાવાદ શહેરના પાંચ જેટલાં સેન્ટરો ઉપર ટેટ-2ની પરીક્ષા યોજાઇ હતી. બપોરે ત્રણ વાગ્યે પરીક્ષા શરૂ થઈ હતી. આથી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા બપોરે 1 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે કેટલા સમયથી મહેનત કરી રહ્યા હતા અને આજે પાંચ વર્ષ બાદ પરીક્ષા યોજાઇ હતી.
ટેટ-2ના પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે, આજે યોજાયેલી TET-2ની પરીક્ષાનુ પેપર સરળ હતું. જેમને મહેનત કરી હોય તેવા લોકો માટે આ પેપર એકદમ સરળ હતું, પરંતુ જેમને મહેનત નથી કરી અને વાંચ્યું ન હોય અને માત્ર પરીક્ષા આપવા જ આવ્યા હોય તો તેમને આ પેપર અઘરું લાગ્યું હોય શકે. પણ પેપર થોડું લેન્ધી હતું, એટલે કેટલાક પરીક્ષાર્થીઓને સમય ઓછો પડ્યો હતો. જ્યારે ભાવનગરના એક પરીક્ષાર્થીએ જણાવ્યું હતું કે ઈંગ્લીશ થોડું અઘરું લાગ્યું હતું. પરંતુ જેમને તૈયારી કરી હશે તેને 130 માર્ક્સ આરામથી આવી જશે. અન્ય એક પરીક્ષાર્થીએ જણાવ્યું હતું કે, પેપરમાં અટપટા પ્રશ્નો પૂછાયા હતા અને પાઠ્યપુસ્તકમાંથી માત્ર 25 ટકા જ પ્રશ્ન પૂછાયા હતા. આ પરીક્ષા માટે ખૂબ લાંબા સમયથી તૈયારીઓ કરી રહ્યા હતા. જો કે અગાઉની પેપરલીકની ઘટનાઓને લઈને થોડો ડર હતો. ત્યારે આ પરીક્ષાનું પેપર લીક ન થતા રાહત અનુભવીએ છીએ.