ગુજરાતમાં 23મી એપ્રિલે ટેટ-2ની પરીક્ષા યોજાશે, 2.90 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે
ગાંધીનગરઃ ગુજરાતમાં ઉચ્ચ પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ભરતી ટેટ-2ના મેરિટના આધારે કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં ઘણાબધા પીટીસી અને બીએડ થયેલા વિદ્યાર્થીઓ શિક્ષણની ભરતીમાં પસંદ થવા માટે ટેટ-2ની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી તા.23મી એપ્રિલને રવિવારે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ-2 લેવાનું આયોજન કરાયું છે. આ પરીક્ષા રાજ્યમાં 9 ઝોનમાં લેવાશે. જેમાં અંદાજે 2,90,000 ઉમેદવારો આ પરીક્ષા આપશે. અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, ભાવનગર, જામનગર, જૂનાગઢ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ઝોનની રચના કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં પાંચ સરકારી કોલેજની ફાળવણી આ પરીક્ષા માટે કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ-2ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પરીક્ષા અંદાડે 2.90 લાખ ઉમેદવારો આપવાના હોવાથી તમામ કેન્દ્રોની વ્યવસ્થા જાળવવી તે પરીક્ષા બોર્ડ માટે પણ એક કસોટીરૂપ બની રહેશે. મહાનગરોમાં પરીક્ષા કેન્દ્રો નિયત કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત પોલીસ બંદોબસ્ત માટે પણ સત્તાધિશો સાથે પરામર્શ કરી દેવાયો છે. ભાવનગર જિલ્લામાં 8729 જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપે તેવો એક અંદાજ છે. ભાવનગર જિલ્લામાં જે પાંચ સરકારી કોલેજની ફાળવણી ટેટ-2 પરીક્ષા માટે કરવામાં આવી છે તેમાં સરકારી વિનયન કોલેજ, તળાજા. સરકારી વિનયન કોલેજ, વલ્લભીપુર. સરકારી વિનયન કોલેજ, ગારિયાધાર. સરકારી વિનયન કોલેજ, ઘોઘા અને સરકારી વિનયન કોલેજ, પાલિતાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સમગ્ર રાજ્યમાં કુલ 9 ઝોનમાં કુલ 47 સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની ફાળવણી કરવામાં આવી છે. આ પરીક્ષામાં સંભવિત 2,90,000 ફોર્મ ભરાયા છે. આ પરીક્ષાની સંદેવનશીલતા, ગંભીરતા અને ગોપનિયતાને ધ્યાને રાખીને પરીક્ષાની કામગીરીમાં જિલ્લા શિક્ષણાધિકારીઓને પરીક્ષાના સ્થળો અને અન્ય બાબતો માટે કોલેજોનો સહયોગ મળે તે માટે આયોજન ઘડવામાં આવ્યું છે.