Site icon Revoi.in

શિક્ષણ વિભાગની જ્ઞાન સહાયક ભરતી યોજના સામે ટેટ-ટાટ પાસ બેરાજગાર ઉમેદવારોએ કર્યો વિરોધ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષકો બનવા માટે ટેટ અને ટાટ પાસ કરેલા હજારોની સંખ્યામાં ઉમેદવારો વિદ્યાસહાયક અને શિક્ષણ સહાયકની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે જ્ઞાન સહાયક યોજના બનાવીને 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતા ટેટ ટાટ પાસ બેરોજગાર ઉમેદવારો દ્વારા વિરોધ કરાયો છે. ગાંધીનગર ખાતે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોએ સરકારની જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતીનાં વિરોધમાં ધરણાં પ્રદર્શન કર્યા હતા. ત્યારે પોલીસે 200 થી વધુ ઉમેદવારોને ડીટેઇન કરી લેવામાં આવતાં તમામે રામધૂનની રમઝટ બોલાવી હતી.

ગુજરાતના  શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં જ્ઞાન સહાયકની 11 માસના 26 હજાર 500 પગાર કરાર આધારિત ભરતી કરવામાં આવે છે. જેના કારણે અગાઉ ટેટ ટાટ પાસ કરેલ વિધાર્થીઓને અન્યાય થઈ રહ્યાની બુમરાણ ઉઠી છે. આ જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરીને ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઇ જશે અને તેમનું ભાવિ અંધકારમય બની જવાની સંભાવના છે. આ અંગે ગાંધીનગર ખાતે પોતાની માંગ લઈને આવેલા ઉમેદવારોએ કહ્યું હતું કે, ગુજરાતના બાળકોના શિક્ષણના વિશાળ હિત અને હજારો ટેટ ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોના હિતમાં કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી અમારી માગ છે. સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી કરી ભાવિ શિક્ષકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે તેવો ગેર વ્યાજબી નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સીધી અસર ગુજરાતના બાળકોના શિક્ષણ અને રાજયના વર્તમાન ટેટ-ટાટ પાસ બેરોજગાર ઉમેદવારો પર થશે. સરકારના એક નિર્ણયથી રાત-દિવસ મહેનત કરીને ટેટ-ટાટ જેવી દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સપનું રોળાઈ જવાનું છે. ગુજરાતના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓના શિક્ષણના હિતમાં અને હજારો ટેટ-ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોને કાયમી સરકારી શિક્ષકની રોજગારી મળી રહે તે માટે જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતીની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ ઊઠી છે.