Site icon Revoi.in

ગુજરાતના કાપડ ઉદ્યોગને મળશે નવો વેગ,નવસારીમાં નિર્માણ પામશે પીએમ મિત્ર પાર્ક,લાખો લોકોને મળશે રોજગારી

Social Share

સુરત: ભારતીય કાપડ ઉદ્યોગ એ ઉત્પાદન ક્ષમતા તેમજ રો-મટિરિયલ બેઝ્ડ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક છે. કેન્દ્ર સરકારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ઉત્પાદન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો, ટેક્નોલોજીના અપગ્રેડેશન, કૌશલ્યવર્ધન કરી કાપડ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનું લક્ષ્ય સેવ્યું છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પી.એમ. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજન એન્ડ એપેરલ-PM MITRA) પાર્ક’ મેગા પ્રોજેક્ટનું સ્વપ્ન સેવ્યું છે.આ સ્વપ્નને મૂર્ત સ્વરૂપ આપવા દેશના સાત રાજ્યોમાં ‘પી.એમ. મિત્ર પાર્ક’ સ્થાપી કાપડ ઉદ્યોગને લાર્જ સ્કેલ બનાવવા, વૈશ્વિક કાપડ બજારમાં ભારતને ઉચ્ચ સ્થાન અપાવવા, ગુણવત્તાયુક્ત સ્પર્ધાત્મક વાતાવરણ પૂરૂ પાડવા અને મોટા પાયે વિશ્વ કક્ષાની સંકલિત ઔદ્યોગિક સુવિધાઓ વિકસાવવા માટે કમર કસી છે.

વડાપ્રધાનએ ગુજરાતના નવસારી જિલ્લા સહિત દેશના સાત રાજ્યોમાં ટેક્ષ્ટાઈલ પાર્ક નિર્માણ કરવાની મંજૂરી આપી દીધી છે. આગામી તા. 13 મી જુલાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રત્યક્ષ અને વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે ગુજરાતમાં પાર્ક નિર્માણના એમ.ઓ.યુ. થશે. ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે 1141 એકરમાં સાકાર થનાર મેગા ઈન્ટીગ્રેટેડ એપરલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને વેગવંતો બનાવશે. આ પહેલ ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’નું ઉત્તમ ઉદાહરણ સિદ્ધ કરશે. પી એમ મિત્ર પાર્કની સ્થાપના ગુજરાત માટે મોટી ઉપલબ્ધિ સમાન છે. ગુજરાતમાં એક માત્ર નવસારીના વાંસીબોરસી ખાતે નિર્માણ પામનાર પી એમ મિત્ર પાર્કથી ૧ લાખ પ્રત્યક્ષ અને બે લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે.

કેન્દ્રીય કાપડ મંત્રાલયે ગુજરાતના નવસારીના વાંસી બોરસી સહિત સાત રાજ્યોમાં સાત પી.એમ. મિત્ર પાર્ક મંજૂર કર્યા છે. રૂ.4445 કરોડના ખર્ચે દેશના 7 રાજ્યોમાં પ્રત્યેકમાં એક એવા કુલ ૭ મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજન એન્ડ એપેરલ (PM MITRA) પાર્ક્સ સાકાર કરવામાં આવશે. અહીં કોટન ટુ થ્રેડ, થ્રેડ ટુ ગારમેન્ટ મેન્યુફેક્ચરીંગ અને ફિનિશ્ડ ગારમેન્ટનું વેચાણ અને નિકાસ એક જ જગ્યાથી કરવામાં આવશે, જે વડાપ્રધાનના 5F વિઝન (ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન)ને સાકાર કરવામાં સહાયરૂપ થશે. આ પાર્ક્સ ભારતને સંયુક્ત રાષ્ટ્રના 9 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હાંસલ કરવામાં સહાયક બનશે.

વડાપ્રધાન હંમેશા સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ટકાઉ ઔદ્યોગિકીકરણ અને નવીનતાને પ્રોત્સાહન આપવા હરહંમેશ પ્રયત્નશીલ રહ્યા છે, ત્યારે પીએમ મિત્ર પાર્કમાં વિશ્વ કક્ષાનું ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ‘કટીંગ એજ ટેક્નોલોજી’ને આકર્ષિત કરશે અને ટેક્ષ્ટાઈલ સેક્ટરમાં સીધા વિદેશી મૂડી રોકાણ (એફડીઆઈ) અને સ્થાનિક રોકાણને વેગ આપશે. આ યોજના કાપડના વૈશ્વિક બજારમાં ભારતને મજબૂત સ્થાન અપાવશે.

ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન(GIDC)ના નિમંત્રણને ઉદ્યોગકારોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે. પાર્કના કુલ ફાળવણીપાત્ર વિસ્તાર સામે GIDCને છ ગણી માંગ મળી છે. એટલે કે હાલ લગભગ  600 એકર ફાળવણીપાત્ર વિસ્તાર સામે 3600 એકર જમીનની માંગણી કરતી પ્રપોઝલ મળી છે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર દ્વારા GIDCને ટોકન દરે પાર્ક માટે જમીન ફાળવવામાં આવી છે.

PM મિત્ર યોજના વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને પરિપૂર્ણ કરવા અને કાપડ ઉદ્યોગના વૈશ્વિક નકશા પર ભારતને અગ્રિમ સ્થાન આપશે. મિત્ર પાર્ક એક જ સ્થળે, એક જ છત્ર નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન બનાવશે. આ ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન ઉદ્યોગના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરશે.

કેન્દ્રીય કાપડ મંત્રાલયે પાર્ક માટેની સાઈટ્સની પસંદગી ઉચ્ચ માપદંડોના આધારે કરી છે. દેશના 18 રાજ્યોએ ટેક્ષ્ટાઈલ પાર્ક સ્થાપવા માટે દરખાસ્તો મોકલી હતી, જેમાં 1000 થી વધુ એકરની સંલગ્ન અને બોજમુક્ત જમીનની ઉપલબ્ધતા, રોડ અને રેલ કનેક્ટિવિટી, ઉપલબ્ધ ઈકોસિસ્ટમ, રાજ્ય સરકારની ટેક્ષ્ટાઈલ અને ઉદ્યોગ નીતિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલિટી સુવિધાઓ, અને પી.એમ. ગતિશક્તિ યોજનાનું અમલીકરણ જેવા માપદંડોને ધ્યાને રાખી 18 માંથી 7 રાજ્યની દરખાસ્તોને સ્વીકારવામાં આવી હતી. જેમાં પસંદગી પામેલા સાત રાજ્યો તમિલનાડુ(વિરૂધુનગર), તેલંગાણા(વારંગલ), ગુજરાત(નવસારી), કર્ણાટક(કાલાબુર્ગી), મધ્યપ્રદેશ(ધાર), ઉત્તરપ્રદેશ(લખનૌ) અને મહારાષ્ટ્ર(અમરાવતી)માં પાર્ક સાકાર થશે.

પી.એમ. મિત્ર પાર્ક સ્થાપવા માટે કેન્દ્ર અને રાજ્યો JV- જોઈન્ટ વેન્ચર મોડ અને SPVs- સ્પેશ્યલ પર્પઝ વેહિકલ મોડમાં કામ કરશે. રાજ્ય સરકાર 51 ટકા અને કેન્દ્ર સરકાર 49 ટકા ઈક્વિટીનો હિસ્સો આપશે. કાપડ ઉદ્યોગકારો પ્રત્યેક પાર્કમાં રૂ.10 હજાર કરોડનું રોકાણ કરવા આકર્ષાશે.

‘PM મિત્ર’ પાર્કને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડમાં વિકસાવવામાં આવશે, જેની માલિકી કેન્દ્ર અને રાજ્ય સરકારોની હશે. દરેક પાર્કમાં ઈન્ક્યુબેશન સેન્ટર, કોમન પ્રોસેસિંગ હાઉસ અને કોમન એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અન્ય ટેક્ષ્ટાઈલ સંબંધિત સુવિધાઓ જેમ કે ડિઝાઈન સેન્ટર્સ અને ટેસ્ટિંગ સેન્ટર્સ હશે.

ઈન્ક્યુબેશન સેન્ટર એ એક સંસ્થા છે જે ઉદ્યોગસાહસિકોને તેમનો વ્યવસાય વિકસાવવામાં અને તેનાથી સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મદદ કરે છે, ખાસ કરીને પ્રારંભિક તબક્કામાં વ્યવસાય અને તકનીકી સેવાઓની શ્રેણી, પ્રારંભિક નાણાભંડોળ, પ્રયોગશાળા સુવિધાઓ, માર્ગદર્શકો, અને નેટવર્ક્સ ઉપલબ્ધ કરાવે છે.

આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર કોમન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પ્રત્યેક ગ્રીનફિલ્ડ ‘મિત્ર’ પાર્ક માટે રૂ.800 કરોડ અને દરેક બ્રાઉનફિલ્ડ પાર્ક માટે રૂ.500 કરોડની વિકાસ મૂડીની સહાય પૂરી પાડશે. ગ્રીનફિલ્ડ એટલે સંપૂર્ણપણે નવા શરૂ થતા પ્રોજેક્ટ અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ એટલે જેના પર કામ શરૂ થઈ ચૂક્યું છે.