અમદાવાદઃ કેન્દ્ર સરકારે કાપડ પર પાંચ ટકા જીએસટી હતી એમાં વધારો કરીને 12 ટકા કરતા કાપડના વેપારીઓએ વિરોધ કર્યો હતો. આ અંગે કેન્દ્ર સરકારના નાણા મંત્રી. સ્થાનિક સાંસદો, વગેરેને રજુઆત કરવા છતાં જીએસટી ઘટાડવામાં નહીં આવતા કાપડના વેપારીઓ રોષે ભરાયા છે. ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના નેતૃત્વ હેઠળ આવતી કાલે ગુરૂવારે રાજ્યભરના ગારમેન્ટના હોલસેલ અને રીટેલ વેપારીઓ જી એસ ટી ના 12 ટકાના વિરોધમાં પ્રદર્શન સાથે ધંધા વેપાર બંધ રાખશે
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 1લી જાન્યુઆરીથી જીએસટી દર પાંચ ટકાથી વધારીને 12 ટકા લાગુ પાડવાના નિયમ સામે હવે રાજ્યભરની ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝએ બાંયો ચડાવી છે. ગત સપ્તાહમાં કલેકટરને આવેદન આપ્યા બાદ કોઈપણ પગલાં લેવામાં ન આવતા આવતીકાલે ગુરૂવારે રાજ્યભરના કાપડના વેપારીઓ અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખીને તેનો અવાજ સરકાર સુધી પહોંચાડશે, જો આવતીકાલે બંધ પાડવા છતાં સરકાર દ્વારા કોઇ પ્રતિક્રિયા નહીં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવા માટેની ચીમકી આપવામાં આવી છે.
ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના નેતૃત્વ હેઠળ આવતી કાલે ગુરૂવારે રાજ્યભરના ગારમેન્ટ ના હોલસેલ અને રીટેલ વેપારીઓ જી એસ ટી ના 12 ટકાના વિરોધમાં પ્રદર્શન સાથે ધંધા વેપાર બંધ રાખશે. જેની સાથે રાજકોટના વેપારીઓએ પણ સમર્થન આપ્યું છે જોકે રાજકોટના કાપડના વેપારીઓ આવતીકાલે બપોરે ૧ વાગ્યા સુધી એટલે કે અડધો દિવસ બંધ રાખીને શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન નોંધાવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર કાપડ પરનો જીએસટી 5 ટકાથી વધારીને 12 કરશે, જેનો 1 જાન્યુઆરીથી અમલ કરાશે. આ અંગે અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિર્ણય લેવાતાં વેપારીઓએ આંદોલનનો નિર્ણય કર્યો છે. ગુજરાતભરમાં ૩૦મીએ કાપડ માર્કેટ 1 દિવસ બંધ રખાશે, જેમાં 185 માર્કેટની 65,000 દુકાનો બંધ રહેશે. આ મુદ્દે ફોસ્ટા, મર્કન્ટાઈલ એસોસિએશન અને સાઉથ ગુજરાત ટેક્ટાઈલ ટ્રેડર્સ એસોસિએશને બંધનું એલાન કર્યું છે. સંગઠનોએ કેન્દ્રીય નાણામંત્રી, કોમર્સ મંત્રીને રજૂઆતો કરવા છતાં સરકારે સ્પષ્ટતા કરી નથી. જેથી આંદોલનના પગલા ભરાશે. ફોસ્ટાએ લેટર જારી કરીને ટ્રેડર્સને ૩૦મીએ દુકાન બંધ રાખવા આહવાન કર્યું છે. (file photo)