Site icon Revoi.in

ઠાકરે સરકારની મુશ્કેલી વધીઃ શિવસેનાના ધારાસભ્ય દળના 38 સદસ્યોએ પોતાનું સમર્થન પાછું ખેંચ્યું

Social Share

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ઉભી થયેલી રાજકીટ સંકટ વચ્ચે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. દરમિયાન શિંદે ગ્રુપે કોર્ટમાં અરજીમાં જણાવ્યું છે કે, મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર બહુમત ગુમાવી ચુકી છે. શિવસેનાના ધારાસભ્ય દળના 38 સદસ્યોએ પોતાનું સમર્થન પાછું ખેંચ્યું છે. મહારાષ્ટ્રની જનતા અને રાજકીય પાર્ટીઓની નજર સુપ્રીમ કોર્ટની સુનાવણી ઉપર મંડાયેલી છે.

કેસની હકીકત અનુસાર મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદેના જૂથની 2 અલગ અલગ અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ હતી. એક અરજી એકનાથ શિંદેએ દાખલ કરી છે જ્યારે બીજી અરજી બળવાખોર ધારાસભ્ય ભરત ગોગાવલે તરફથી કરવામાં આવી છે. બંને અરજીઓમાં ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. સૌથી પહેલા નોટિસને પડકારવામાં આવી છે જેમાં 16 બળવાખોરોની સદસ્યતા સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે શિંદેને નેતા પદેથી દૂર કરવા તથા અજય ચૌધરીને ચીફ વ્હિપ નિયુક્ત કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે.

એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં લખ્યું છે કે, મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધને સદનમાં બહુમત ગુમાવ્યું છે. શિવસેનાના ધારાસભ્ય દળના 38 સદસ્યોએ પોતાનું સમર્થન પાછું ખેંચ્યું છે. આમ મહાવિકાસ અઘાડી સરકારે બહુમત ગુમાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં છે. શિવસેનાના એકનાથ શિંદે સહિત 38 ધારાસભ્યોએ સરકાર સામે નારાજગી નોંધાવી છે. એટલું જ નહીં શિવસેનાના ધારાસભ્યોને 9 જેટલા અપક્ષ ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે.