Site icon Revoi.in

થાવરચંદ ગેહલોત આજે સવારે 10.30 વાગ્યે રાજભવન ખાતે કર્ણાટકના રાજ્યપાલ તરીકે શપથ લેશે

Social Share

બેંગલુરુ:પૂર્વ કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોત રવિવારે કર્ણાટકના 19 મા રાજ્યપાલ તરીકે શપથ લેશે. કર્ણાટક સરકારે જાહેર કરેલી સત્તાવાર વિગત મુજબ, થાવરચંદ ગેહલોત સવારે 10:30 કલાકે રાજભવનમાં શપથ લેશે. થાવરચંદ ગેહલોત વર્ષ 2014 થી કર્ણાટકના રાજ્યપાલ રહી ચૂકેલા વજુભાઈ વાળાની જગ્યા લેશે. કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા થાવરચંદ ગેહલોતને પદ અને ગોપનિયતાના શપથ અપાવશે.

થાવરચંદ ગેહલોતની 6 જુલાઈએ કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.7 જુલાઇએ કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રધાનમંડળમાંથી રાજીનામું આપનારા 12 કેન્દ્રીય મંત્રીઓમાં તે પણ હતા. તેઓ વર્ષ 2019 થી રાજ્યસભામાં ગૃહના નેતા હતા. ગેહલોતે 2006 થી 2014 દરમિયાન ભાજપના કર્ણાટક એકમના પ્રભારી તરીકે કાર્ય કર્યું હતું, જ્યારે તે પાર્ટીના મહાસચિવ હતા.

થાવરચંદ ગેહલોત 1996 થી 2009 દરમિયાન શાજાપુર (મધ્યપ્રદેશ) ના લોકસભા સાંસદ હતા. તેઓ 2009 ની લોકસભાની ચૂંટણી હારી ગયા હતા અને 2012 માં રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. કર્ણાટકના રાજ્યપાલ તરીકે ગેહલોતની નિમણૂકને આવકારતાં મુખ્યમંત્રી બી.એસ.યેદીયુરપ્પાએ કહ્યું હતું કે,રાજ્યને સાર્વજનિક જીવનમાં તેના લાંબા અનુભવ અને સામાજિક ન્યાય પ્રત્યે પ્રતિબંધતાથી લાભ થશે.