Site icon Revoi.in

ધોરણ 10ના ગણિતના પ્રશ્નપત્રમાં સૌથી વધારે આંકડાશાસ્ત્ર અને સંભાવનામાંથી 30 ટકા પ્રશ્નો પૂછાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10માં હવે બે પ્રકારે પેપર લેવાનો નિર્ણય કરાયો છે ત્યારે બોર્ડ દ્વારા ગણિત -બેઝિક પ્રશ્નપત્રનું પરિરૂપ જાહેર કરાયું છે જે મુજબ સરળ ગણિતની પરીક્ષા માટેનો વિકલ્પ પસંદ કર્યો હશે તે વિદ્યાર્થીઓને ધો.10ના ગણિતના પાઠ્યપુસ્તકના અંતિમ બે પ્રકરણ આંકડાશાસ્ત્ર અને સંભાવનામાંથી કુલ 24 ગુણના પ્રશ્નો પુછાશે. કુલ 80 ગુણનું પેપર હશે એટલે કહી શકાય કે આ બે પ્રકરણમાંથી 30 ટકા પ્રશ્નો પુછાશે.

શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધો. 10માં ગણિત-બેઝિકના પરિરૂપ મુજબ ગણિતના પુસ્તક મુજબ મોટા ભાગે 2થી 6 ગુણના પ્રશ્નો પૂછાશે. 2 ગુણના પ્રશ્નો વાસ્તવિક સંખ્યા, ત્રિકોણમિતિનો ઉપયોગ અને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાંથી પુછાશે. જ્યારે 4 ગુણના પ્રશ્નો દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિઘાત સમીકરણ, ત્રિકોણ, ત્રિકોણમિતિનો પરિચય, વર્તુળ અને રચનાના પ્રકરણમાંથી પુછાશે. 6 ગુણના પ્રશ્નો બહુપદીઓ, યામ ભૂમિતિ અને પૃષ્ઠફળ અને ઘનફળના પ્રકરણમાંથી પુછાશે.બોર્ડે જાહેર કરેલી બ્લુ પ્રિન્ટમાં 80 ગુણના પેપરમાં 15 પ્રકરણોનો સમાવેશ થશે.

પેપરમાં હેતુલક્ષી, ટૂંકા પ્રશ્નોના બે વિભાગ અને લાંબા પ્રશ્નોનો સમાવેશ કરાયો છે. પ્રશ્નપત્રના વિભાગ-એમાં 1થી 24 પ્રશ્નો રહેશે, દરેક પ્રશ્નનો એક ગુણ ગણાશે. વિભાગ-બીમાં પ્રશ્ન ક્રમાંક 25થી 34 રહેશે. દરેક સાચા ઉત્તરના બે ગુણ રહેશે. ત્યાર બાદ વિભાગ-સીમાં 8 પ્રશ્નો રહેશે, જેમાં દરેકનો 3 ગુણ રહેશે. વિભાગ-ડીમાં 3 લાંબા પ્રશ્નો રહેશે. દરેક સાચા જવાબ માટે ચાર ગુણ અપાશે.ધો.10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ એમ બે વિકલ્પ બોર્ડ દ્વારા આ વર્ષથી પરીક્ષામાં આપવામાં આવશે.