- ઉકાઈ ડેમમાં પાણીનો ઈન્ફલો 1,90 લાખ ક્યુસેક કરતા વધુ,
- ડેમમાં 335 ફુટ રૂટ લેવલ જાળવી રાખવાનો પ્રયાસ,
- વાઘોડિયાનો દેવ ડેમ છલકાયો
અમદાવાદઃ ગુજરાતમાં આજે 152 તાલુકામાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આજે ધોધમાન વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જેમાં સુરતના તાપી નદી પરના ઉકાઈ ડેમની સપાટી 335.25 ફૂટ નોંધાઈ છે. ઉકાઈ ડેમમાં પાણીનો ઇન્ફલો 1.90 લાખ ક્યૂસેક કરતાં વધારે છે, જ્યારે આઉટ ફ્લો 1.70 લાખ ક્યૂસેક કરતાં વધારે છે. હાલ ડેમના કુલ 11 ગેટ 2.44 મીટર ખોલી દેવાયાં છે. વહીવટી તંત્ર દ્વારા 2 લાખ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે તાપી નદી બંને કાંઠે વહી રહી છે. સુરત જિલ્લામાં કુલ 23 રસ્તા બંધ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં સીઝનનો સરેરાશ 82 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેને પગલે 58 ડેમ 100 છલકાઈ ચૂક્યા છે. તેમજ 72 ડેમ હાઇ એલર્ટ પર અને 15 ડેમ એલર્ટ પર છે. જો કે ચિંતાજનક વાત તો એ છે કે, હજુ 50 ડેમ 25 ટકા પણ ભરાયા નથી. જ્યારે 38 ડેમમાં 25થી 50 ટકા જ પાણી છે. સુરતના તાપી નદી પરના ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એને ધ્યાનમાં રાખીને ડેમનું લેવલ 335 ફૂટ જાળવી રાખવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ પાણીની આવક ખૂબ વધી રહી છે, એના કારણે રૂલ લેવલ કરતાં પણ સપાટી વધી ગઈ છે. જેથી હાલ ડેમના કુલ 11 ગેટ 2.44 મીટર ખોલી દેવાયાં છે. નદી કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યો છે.
ઉકાઈ ડેમમાં ગત 24 ઓગસ્ટના રોજ પણ પાણીની આવક વધતાં સાંજે 4 વાગ્યાથી 1.23 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. 6 વાગ્યે ડેમની સપાટી 335 ફૂટ હતી, જ્યારે આવક-જાવક સવા લાખ ક્યૂસેક હતી. ડેમના 10 ગેટ 6 ફૂટ ખોલાયા હતા, જેથી શહેરના નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા હતા. મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી 66,000 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે પ્રકાશા ડેમમાંથી 77,000 કયૂસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈની આગળ તાપીના તમામ બેસિનમાં સાર્વત્રિક વરસાદ થતાં ડેમમાં આગામી 4-5 દિવસ પાણીની સારી આવક યથાવત્ રહેવાની શકયતા છે.
સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમમાં સતત પાણીની આવકના કારણે છલકાવાની સ્થિતિ છે અને તે બાબતને ધ્યાને લઈ નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણી છોડવાની સ્થિતિમાં નદીમાં પૂર આવવાના સંજોગોને કારણે વાઘોડિયા અને ડભોઈ તાલુકાના 25 ગામોના લોકોને સાવચેત કરવામા આવ્યા છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ દેવ જળાશયની જળ સપાટી સવારે 10 કલાકે 88.60 મીટરથી વઘીને 88.64 મીટર થયેલ છે. જળાશયના ઉપરવાસમાં સતત વરસાદને કારણે રૂલ લેવલ જાળવવા જળાશયના બે દરવાજા ગેટ નં. 4 અને 5 જે પોઇન્ટ 20 મીટર ખુલ્લા છે તેને 11 કલાકે પોઇન્ટ 30 મીટર ખોલવામાં આવી છે અને એક વઘારાનો દરવાજો ગેટ નં.3 0.30 મીટર ખોલવામાં આવશે. આમ, ડેમમાંથી કુલ વહન થતો પાણીનો પ્રવાહ 83.49 કયુમેકસ અને કયુસેકમાં 2948.45 કયુસેક થશે.