અમદાવાદઃ જીન્દગીની સફર એવી છે, કે, ક્યારેય બધી જ ઈચ્છાઓ પુરી થતી નથી પરંતુ જ્યારે વ્યક્તિ મરણ પથારીએ હોય ત્યારે તેની ઈચ્છા પુરી કરવા માટે તેના પરિવાર દ્વારા પ્રયાસ કરવામાં આવતો હોય છે. એક 11 વર્ષની દીકરીને ભણીગણીને કલેક્ટર બનવાની ઈચ્છા હતી. પણ નસીબે તેને સાથ ન આપ્યો અને 11 વર્ષની દીકરી બ્રેઈન ટ્યુમરની બિમારીનો ભોગ બની. ત્યારે દીકરીના પરિવારે તેની ઈચ્છા પૂર્ણ કરવા માટે જિલ્લા કલેક્ટર સુધી વાત પહોંચાડી, કલેક્ટરે પણ માનવતા દાખવીને દીકરીની અધૂરી ઈચ્છા પૂર્ણ કરવા એક દિવસ માટે કલેક્ટરની ખૂરશી પર બેસાડી.
આજે અમદાવાદમાં જિલ્લા કલેક્ટર કચેરીની ખુરશી પર બેસીને માત્ર 11 વર્ષની દીકરીએ કામગીરી સંભાળી હતી. ચાર્જ સંભાળ્યા બાદ વિવિધ સરકારી યોજના લાભાર્થીઓના પ્રમાણપત્ર પણ વિતરણ કર્યા હતાં. એક દિવસ માટે કલેક્ટરની ખુરશી પર બેઠેલી ફ્લોરાનું સ્વાગત એક આઈએએસ ઓફિસર ડ્યુટી જોઈન કરે ત્યારે જે રીતે થાય એ રીતે જ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરના સરઘાસણના રહેવાસી અપૂર્વ શાહની દીકરી ફ્લોરાને 7 મહિના પહેલા બ્રેઈન ટ્યુમરની બિમારી થતાં ઓપરેશન કરાવ્યું હતું. ફ્લોરા નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. તેને કલેક્ટર બનવાની ઈચ્છા હતી પરંતુ બ્રેઇન ટ્યુમરના કારણે તેની ઈચ્છા પૂરી થવી, એ મોટો પડકાર હતો. તેના માતા-પિતાએ એક NGOનો સંપર્ક કર્યો, જેમના મારફતે આ વાત અમદાવાદ જિલ્લા કલેકટર સુધી પહોંચી અને ફ્લોરને એક દિવસ માટે કલેક્ટર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.
ફ્લોરાની એક દિવસના કલેકટર બનાવવાની વાતને લઈ કલેકટર કચેરીના કર્મચારીઓ પણ કચેરીની બહાર મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જેમ મોટા અધિકારી કોઈ ઓફિસમાં પહોંચે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવે એ જ રીતે ફ્લોરનું પણ બુકેથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કલેકટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ફ્લોરાએ વિધવા બહેનોને સહાય, વ્હાલી દીકરી યોજનાના, વગેરેના પ્રમાણપત્ર લાભાર્થીઓને આપ્યા હતાં.
અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે, NGO મારફતે આ દીકરીની કલેક્ટર બનવા અંગેની વિગત મળી. જે બાબતે કચેરી મારફતે ખરાઈ કરી તેની ઈચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો હતો. આવતા સપ્તાહે તેનો જન્મદિવસ હોવાથી કલેક્ટર કચેરી ખાતે કલેકટરની હાજરીમાં કેક કાપવામાં આવી હતી.આ ઉપરાંત અલગ અલગ પ્રકારની ગિફ્ટ અને ચોકલેટ પણ આપવામાં આવી હતી.