Site icon Revoi.in

અમદાવાદના 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 11મીએ આરોપીઓને સજા ફરમાવાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં વર્ષ 2008માં 20 સ્થળો ઉપર 21 જેટલા બોમ્બ બ્લાસ્ટ થયાં હતા. ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી નાખનારા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગઈકાલે અદાલતે 49 આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. દરમિયાન આજે આરોપીઓની સજાને લઈને સુનાવણી થઈ હતી. જેમાં બચાવપક્ષના વકીલે આરોપીઓને સુધરવાનો મોકો આપવાની રજૂઆત કરી હતી. બીજી તરફ સરકારી વકીલે આકરી સજા કરવાની માંગણી કરી હતી. કોર્ટે અમદાવાદ ઉપરાંત દેશના અન્ય રાજ્યોની જેલમાં બંધ બોમ્બ બ્લાસ્ટના કેદીની મેડિકલ ડિટેલ અને અન્ય ડોક્યુમેન્ટ્સ સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલી આપવા કોર્ટે નિર્દેશ કર્યો હતો. તેમજ સજાની સુનાવમી 11મી ફેબ્રુઆરી સુધી મુલત્વી રાખી હતી.

કેસની હકીકત અનુસાર અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા શ્રેમીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં 56 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે 200થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. આ દેસમાં 77 આરોપીઓ સામે અમદાવાદની વિશેષ અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણીના અંતે અદાલતે ગઈકાલે 49 આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. જ્યારે 28ને શંકાનો લાભ આપીને છોડી મુકવાનો આદેશ કર્યો હતો. આરોપીઓની સજાને લઈને આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આરોપીઓના વકીલે સજાની જાહેરાત માટે 3 અઠવાડિયાની મુદ્દતની માંગણી કરી હતી. તેમજ રજૂઆત કરી હતી કે, દોષીતોને સુધરવાનો અવકાશ આપવામાં આવે. તેમની શૈક્ષણિક લાયકાત, પરિવારની સ્થિતિ અને મેડિકલ પુરાવાઓ રજૂ કરવા માટે સમય આપવો જોઈએ. બીજી તરફ સરકારી વકીલે બચાવ પક્ષના વકીલોની રજૂઆતનો વિરોધ કર્યો હતો તેમજ રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો રેફરન્સ આપ્યો હતો. તેમજ રજૂઆત કરી હતી કે, આરોપીઓના ગુનાહિત ઈતિહાસની સાથે સારબમતી જેલમાં સર્જાયેલા સુરંગ કાંડને ધ્યાનમાં લેવો જોઈએ.

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે બચાવ પક્ષના વકીલો જેલમાં બંધ દોષીતોની મુલાકાત લે. તેમનો પક્ષ જાણે અને બાદમાં કોર્ટમાં રજુઆત કરે. આ ઉપરાંત જયપુર, બેંગલુરું, ગયા, ભોપાલ અને અન્ય જેલોમાં બંધ કેદીઓની મેડિકલ ડિટેલ અને અન્ય ડોક્યુમેન્ટ્સ સાબરમતી સેન્ટ્રલ જેલ પર મોકલી આપવા કોર્ટે નિર્દેશ કર્યો હતો.