ગાંધીનગરઃ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના 15મા સ્થાપના દિનની ઊજવણીનું આયોજન આગામી તા. 31 જુલાઈ 2023ને બુધવારના રોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 2માં દ્વારકા હોલ ખાતે બપોરે 3 કલાકે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને અતિથિવિશેષ તરીકે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહેશે.
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનો 15મો સ્થાપના દિન સચિવાલય સ્વર્ણિમ સંકુલ-2ના દ્વારકા હોલમાં તા.31મીને બુધવારે યોજાશે. આ પ્રસંગે પ્રોફેસર પ્રો. પી.એન.ગજ્જર, પ્રોફેસર અને હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા નરેન્દ્ર મોદી પ્રેરણાત્મક વ્યાખ્યાન માળા યજ્ઞ’ હેઠળ વ્યાખ્યાન આપવામાં આવશે. રિસર્ચને પ્રાધાન્ય આપતાં આ અવસરે યુનિવર્સિટી દ્વારા રિસર્ચ પોલિસીના વિમોચન સાથે 44 જેટલાં રિસર્ચ પ્રોજેક્ટની ફાળવણી કરાશે. આ સાથે રાષ્ટ્રની સર્વશ્રેષ્ઠ બાળવાટિકાને ગિજુભાઈ બધેકા એવોર્ડથી સન્માનિત કરવાનો પણ ઉપક્રમ આ ઉજવણીમાં સામેલ છે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ફાઉન્ડેશનલ સ્ટેજના ગુજરાતી સંસ્કરણ શાલેય શિક્ષણ માટે અભ્યાસક્રમ માળખું 2022 પુસ્તક, યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત પરિવારની પાઠશાળાનું અંગ્રેજી સંસ્કરણ પુસ્તક તેમજ સર્વાંગી બાળ વિકાસ પુસ્તક વિમોચન સાથે અધ્યાપકોના પુસ્તકોનું વિમોચન આ અવસરે કરવામાં આવશે. જ્યારે યુનિવર્સિટીના ‘રવિ’ રમકડાં વિજ્ઞાન કેન્દ્ર કાર્યરત છે. કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલી 12 ઈન 1 પારંપરિક રમતનું વિમોચનની સાથે ગિજુભાઈ બધેકા ચેર વાર્ષિક અહેવાલનું વિમોચન કરાશે.
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આ અવસરે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની વિશેષ સિદ્ધિને સન્માનિત કરવામાં આવશે, તેમજ યુનિવર્સિટીની જનરલ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો કે જેઓ નિવૃત્ત થઈ રહ્યા છે, તેઓને તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવશે. જ્યારે ટોય સેન્ટર, શિશુ પરામર્શન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટર દ્વારા એમઓયુ પણ સાઈન કરવામાં આવશે.