અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોની દર વર્ષે આરોગ્ય તપાસણી કરવામાં આવતી હોય છે. રાજ્યમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આ યોજનાનો પ્રારંભ કરાયો હતો અને તેને આજે પણ સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે, ગામડાંની શાળાઓમાં ભણતા બાળકોને હ્રદય, કિડની, કેન્સર જેવી બીમારીઓની તેમના માત-પિતાને પણ જાણ હોતી નથી. આરોગ્ય તપાસણીથી રોગની જાણ થતાં જ બાળકને સરકારી ખર્ચે સારવાર આપવામાં આવે છે. વર્ષ 2022-23માં આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. જેમાં ઘણા બાળકોને ગંભીર બિમારીઓના લક્ષણો જણાતા 17,544 બાળકોને હૃદય સંબંધિત સારવાર, 724 બાળકોને કિડની સંબંધિત, 337 બાળકોને કેન્સરની સારવાર, 13 બાળકોને કિડની ટ્રાન્સપ્લાન્ટ, એક બાળકને લીવર ટ્રાન્સપ્લાન્ટ, 10 બાળકોને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, 297 બાળકોને કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરી, 952 બાળકોને ક્લબ ફૂટ, 315 બાળકોને ક્લેફ્ટ લિપ–પેલેટની સારવાર પૂરી પાડવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં દર વર્ષે આરોગ્ય વિભાગ દ્વારા શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ રાજ્યના કરોડો બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. છેલ્લા વર્ષ 2022-23ના એક જ વર્ષમાં આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના 1.35 કરોડ બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ કરાઇ હતી. વર્ષ 2014માં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની શરૂઆત કરાઇ હતી. વર્ષ 2014થી ગુજરાતના શાળા આરોગ્ય કાર્યક્રમને ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (SH–RBSK) તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં એટલે કે, નવ વર્ષમાં રાજ્યના 12.75 ૫ કરોડથી વધુ બાળકોની સ્વાસ્થ્ય સંબંધિત આરોગ્ય તપાસ કરાઇ હતી. જેમાંથી 1,39,368 બાળકોને હૃદય સંબંધિત સર્જરી અને સારવાર, 17,556 બાળકોને કિડની સંબંધિત સારવાર, 10.860 બાળકોને કેન્સરની સારવાર,177 બાળકોને કિડની ટ્રાન્સપ્લાન્ટ, 26 બાળકોને લીવર ટ્રાન્સપ્લાન્ટ, 198 બાળકોને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર પૂરી પડાઇ છે. (FILE PHOTO)