- ભાવનગર યુનિના ભાવસ્પંદન યુવા મહોત્સવમાં 1000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો,
- યુવરાજ જયવીરરાજસિંહએ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી,
- કાલે મહોત્સવનું સમાપન થશે
ભાનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ત્રિદિવસીય “ભાવસ્પંદન” યુવક મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ દબદબાભેર યોજાયો હતો, આ સમારોહમાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સહિત મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા. ત્રણ દિવસ દરમિયાન જુદી જુદી સ્પર્ધાઓમાં જુદી જુદી કોલેજના 1000 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. કાલે તા, 19મીએ યુવક મહોત્સવનું સમાપન કરાશે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તા.17 થી 19 ઓકટોબર દરમિયાન આયોજીત “ભાવસ્પંદન” યુવક મહોત્સવ 2024નું ઉદ્દઘાટન ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાર્યકારી કુલપતિ ડો.એમ. એમ.ત્રિવેદી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના એમ્ફીથીયેટર ખાતે યોજાયેલા સમારોહની શરૂઆત કલાર્પણ રાસ એકેડેમીના વિદ્યાર્થિનીઓ દ્વારા ગણેશવંદનાથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપપ્રાગટ્ય કરીને કલાના મંચની ચારે તરફ કલાના પથને પ્રકાશિત કર્યો હતો. શારિરીક શિક્ષણ નિયામક ડો.દીલીપસિંહ ગોહિલ દ્વારા કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
યુવાનોને પ્રેરણા આપનાર અને યુથ આઈકોન ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહએ તેમના વકતવ્ય દરમિયાન મહારાજા નામ સાથે જોડાયેલી આ યુનિવર્સિટી આવનાર પાંચ વર્ષમાં ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી બને અને ગ્રેડેશનમાં સર્વશ્રેષ્ઠ અંક પ્રાપ્ત કરીને નવી ઊંચાઈ પ્રાપ્ત કરે તેવી હૃદયની ભાવનાઓ વ્યકત કરી હતી. તેમજ તેણે તમામ સ્પર્ધકને હ્રદયસ્પર્શી શુભેચ્છાઓ પાઠવી હતી. યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ અને ઉદ્દઘાટન સમારોહના અધ્યક્ષ ડો.મહેશ.એમ. ત્રિવેદીએ તેમના વક્તવ્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સર્વોચ્ય સ્થાન પ્રાપ્ત કરો તેવી શુભેચ્છાઓ પાઠવી અને આ ગૌરવપ્રદ તકને પોતામાં રહેલી કલાથી પારંગત કરો તેવી હૃદયની ભાવનાઓ વ્યકત કરી હતી.
32 માં આંતર કોલેજ યુવક મહોત્સવ તા.17, 18 અને 19 ઓક્ટોબર ત્રણ દિવસ દરમિયાન જુદી જુદી 67 કોલેજોના અંદાજિત 1050 જેટલા વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહ્યા છે. જેમાં સવારે ઉદ્ઘાટન સમારોહ યોજાયા બાદ બપોરના સેશનમાં મીમીક્રી, ભજન, તત્કાલ ચિત્ર સ્પર્ધા, પ્રશ્ન મંચ, નિબંધ સ્પર્ધા, લોક નૃત્ય, એકાંકી નાટક તથા સુગમ ગીત સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.