- જીએસટી કાઉન્સિલની આજે 43મી બેઠક
- નાણામંત્રી નિર્મલા સિતારમણની હાજરીમાં થશે બેઠક
- મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા
દિલ્લી: નાણામંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં આજે જીએસટી કાઉન્સિલની 43મી બેઠક યોજવામાં આવશે. લગભગ 8 મહિના બાદ જીએસટી કાઉન્સિલની બેઠકમાં મહત્વના મુદ્દા ચર્ચાય તેવી સંભાવના છે. આ બેઠકમાં કોવિડ-19ને લગતી સમસ્યાઓ પર ચર્ચા થાય તેવી સંભાવનાઓને વ્યક્ત કરવામાં આવી છે.
જીએસટીની બેઠકમાં ઓક્સિજન કંસન્ટ્રેટર પર વાત થઈ શકે તેમ છે અને તેના ઈમ્પોર્ટ પર નવો ટેક્સ લગાવવામાં આવી શકે છે. હાલમાં ઓક્સિજન કંસન્ટ્રેટર પર 12 ટકા ટેક્સ વસુલવામાં આવી રહ્યો છે. જો કે સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ મશીનના IGST પર રાહત આપવામાં આવી છે.
હાલ દેશમાં કોરોનાની વેક્સિન પર 5 ટકા ટેક્સ વસુલવામાં આવે છે, તો આ બાબતે નાણામંત્રીએ કહ્યું કે કોરોનાની દવા અને વેક્સિન પરથી જો જીએસટી હટાવી લેવામાં આવશે તો દવાઓ વધારે મોંઘી થઈ જશે.
આજે યોજાનારી જીએસટી કાઉન્સિલની 43મી બેઠકમાં જીએસટી રીટર્ન ફાઈલને લઈને એક એમનેસ્ટી સ્કીમની જાહેરાત કરવામાં આવી શકે તેમ છે. આ સ્કીમ અંતર્ગત જુલાઈ 2017 થી એપ્રિલ 2021 સુધી તમામ જીએસટીઆર-3બી રિટર્નને સામેલ કરવામાં આવશે. દરેક જીએસટી રજીસ્ટર્ડ ધંધાદારીઓએ જીએસટીઆર-3બી ફાઈલ કરવું પડશે.
આ બેઠકમાં રાજ્યોને જીએસટીમાં આપવામાં આવતી રાહત વિશે પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યોનું આ બાબતે કહેવુ છે કે કોરોનાના કારણે રાજ્યોમાં આર્થિક સંકટ છે. એવામાં કેન્દ્ર પાસેથી જીએસટી કંપનસેશનને ભરવા માટે થોડો સમય આપવાની માગ કરવામાં આવી શકે છે. ગત વર્ષે જીએસટી ફંડમાં રાજ્યોના નુક્સાનને પહોંચી વળવા માટે કેન્દ્રએ રાજ્યો તરફથી 1.10 લાખ કરોડ ઉધાર લીધા હતા.