વડોદરાઃ ગુજરાતમાં મોરબીનો મચ્છુ નદી પરનો ઝૂલતો પુલની દુર્ઘટના બાદ હવે લોકોમાં જર્જરિત બનેલા પુલોની ચર્ચા થવા લાગી છે. જેમાં નેત્રંગના ઘાણીખુંટ ગામ પાસે કરજણ નદી પર 1969માં બનાવવામાં આવેલો પુલ એકદમ જર્જરીત હોવાથી મોટી હોનારત સર્જાવાનો ભય વધ્યો છે. પુલના બંને છેડાના અપ્રોચ બેસી ગયા છે, અને તિરાડો સાથે ફરી ગાબડાં પડી ગયાં છે.ઘાણીખૂંટ ગામેથી પસાર થતી કરજણ નદીના પુલના બંને છેડા પરના એપ્રોચ પર તિરાડો અને ગાબડાં જોવા મળી રહ્યા છે. પુલના નીચેના ભાગે આવેલા સાંધાઓમાથી રેતી કપચીનું મટિરિયલ્સ અને કૉલમ પરનું પ્લાસ્ટર ખરતું જાય છે.પુલના એક ભાગમાં તિરાડો પડતાં રેલિંગ પણ વાઇબ્રેશનથી તિરાડો પડવા લાગી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઘાણીખૂંટ ગામ નજીક કરજણ નદી પરના આ પુલને ઘણા વર્ષો થઈ ગયા છે.કેટલીયે વખત ધોધમાર વરસાદ પડતાં નદીમાં ભારે પૂર પણ આવ્યા છે.જેમાં વર્ષોની થપાટ ખાતો આ પુલ અગાઉ નુકશાન થતાં બંધ થઈ ગયો હતો.નેશનલ હાઇવેના અધિકારીઓ અને કોન્ટ્રાકટરની બેદરકારી જોવા મળી રહી છે. આ ખામી વાળા પુલને વહેલી તકે રિપેરિંગ કરવામાં નહીં આવે તો તિરાડો અને ગાબડાં મોટા થઈ જતાં ક્યારેક વધુ વરસાદે પૂર આવે તો મોટી દુર્ઘટના થવાની ભીતિ રહેલી છે.1994 અને 2004 માં ભારે વરસાદથી કરજણ નદીમાં આવેલા પૂરથી પુલને ઘણું નુકશાન થયુ હતુ અને રસ્તો પણ બંધ ગયો હતો.ત્યારબાદ રિપેરિંગ કરી રાબેતા મુજબ પુલ પરનો રસ્તો ચાલુ કરાયો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વર્ષ 2016માં એક ટ્રક બ્રિજની રેલિંગ સાથે અથડાયા બાદ 100 ફૂટ જેટલી રેલિંગ તૂટી નદીમાં પડી હતી.નદીની ઊંડાઈ આશરે 100 ફૂટથી વધુ છે. મોરબીની દુર્ઘટના બાદ અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ભય ફેલાય ગયો છે. થવા પુલને આધુનિક પદ્ધતિથી અને મશીનરીનો ઉપયોગ કરી વારંવારની સમસ્યાનો નિરાકરણ લાવવામાં આવે તેવી અહીથી અવરજવર કરતાં વાહન ચાલકોની માંગ રહેલી છે.કરજણ નદીના પુલ પરની તિરાડો અને ગાબડાં બાબતે અગાઉ પણ રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા સામાન્ય કામગીરી કરી દેવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.