સાળંગપુરમાં 54 ફૂટ ઊંચી હનુમાનજી દાદાની મૂર્તિનું મુખ પહોંચતા વાજતે-ગાજતે ભવ્ય સ્વાગત કરાયું
બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત 54 ફૂટ ઊંચી હનુમાનજી દાદાની મૂર્તિ સાળંગપુરમાં સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યુ છે. આ મૂર્તિનું મુખ સારંગપુર ખાતે લઇ જવામાં આવતા વચ્ચે સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ ખાતે જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે દાદાના મુખનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેનપૂ. દેવપ્રકાશ સ્વામી, તથા ટ્રસ્ટી સભ્યો તેમજ કોઠારી સંતવલ્લભ સ્વામી, બાપુસ્વામી હાજર રહ્યા હતા.
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાન મદિરમાં 54 ફૂટની બની રહેલી મૂર્તિનું મુખ આવતાં વાજતેગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતો અને મહંતો દ્વારા મુખારવિંદની પૂજા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં અહીં હનુમાનજીની ભવ્ય મૂર્તિ નિર્માણ પામશે, જેનાં દાદાના 7 કિલોમીટર દૂરથી દર્શન થશે. 30 હજાર કિલો વજન અને પંચધાતુની આ મૂર્તિ હરિયાણાના ગુરુગ્રામમાં બની રહી છે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત આ મૂર્તિ સાળંગપુરની શોભામાં વધારો કરશે. મંદિરની પાછળ કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આ પ્રોજેક્ટ આકાર લેશે.
કષ્ટભંજન મંદિરના સૂત્રોએ જણાવ્યું હતું કે, સાળંગપુર કષ્ટભજન મદિરમાં કિગ ઓફ સાળંગપુર નામનો પ્રોજકેટ ચાલી રહ્યો છે, જેમાં મંદિર વિભાગ દ્વારા અહીં 54 ફૂટની વિશાલ પંચ ધાતુની મૂર્તિ મૂકવાની કામગીરી ચાલી રહી છે. આ મૂર્તિ હરિયાણા ખાતે બની રહી છે, જેને અલગ અલગ પાર્ટ સાળંગપુર આવી રહ્યા છે. ત્યારે મૂર્તિનું મુખ સાળંગપુર ખાતે આવી પહોંચતાં મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, કોઠારી વિવેકસાગર સ્વામી સહિત અન્ય સંતો અને મહંતો દ્વારા ભવ્ય સ્વાગત કરી પૂજાવિધિ કરવામાં આવી હતી. ડીજેના તાલે વાજતેગાજતે મુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં હાજર રહેલા હરિભક્તો પણ ડીજેના તાલે ઝૂમી ઊઠ્યા હતા અને સમગ્ર માહોલ ભકિતમય બની ગયો હતો. આગામી દિવસોમાં અહીં મૂર્તિનું સંપૂર્ણ નિર્માણ થશે.