Site icon Revoi.in

પાટનગર ગાંધીનગરનો 59નો સ્થાપનાદિન ઊજવાયો, મેયરે નગરજનોને પાઠવી શુભેચ્છા

Social Share

ગાંધીનગરઃ  રાજ્યના પાટનગર ગાંધીનગરનો બુધવારે 59મો સ્થાપના દિવસ છે. 2 ઓગસ્ટ 1965ના રોજ ગાંધીનગરની પ્રથમ ઇંટ જીઈબી કોલોની ખાતે મુકાઈ હતી. આ 5 દાયકાની સફરમાં ગાંધીનગર સરકારી કોલોનીથી આગળ વધીને વિશ્વના નકશામાં સ્થાન પામ્યું છે. વિકાસના શિખરો સર કર્યા છે.

ગાંધીનગરના 59માં સ્થાપના દિનની બુધવારે ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. ગાંધીનગરની જ્યાં પ્રથમ ઈંટ મૂકવામાં આવેલી એ જીઈબી થર્મલ પાવર સ્ટેશન ઉપરાંત સેકટર – 5 ના સિનિયર સિટીઝન હોલ ખાતે મેયર, ધારાસભ્ય તેમજ સ્ટેન્ડીંગ ચેરમેન સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં કેક કટિંગ કરીને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર હિતેશ મકવાણાએ વિકાસની હરણફાળ ભરતા ગાંધીનગરના જન્મદિનની નગરજનોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

ગાંધીનગર સરકારી કોલોનીથી આગળ વધીને વિશ્વના નકશામાં સ્થાન પામ્યું છે. પાટનગરના મહાત્મા મંદિરમાં આજે દેશવિદેશના નેતાઓની આવ-જા રહે છે. આજે મેટ્રો રેલ, કેપિટલ રેલવે સ્ટેશન જેવા 6 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ આકાર પામી રહ્યા છે. ગિફ્ટ સિટી આકાર પામતાં ગાંધીનગર હવે સિંગાપોર જેવું દેશનું પ્રથમ આર્થિક હબ બનવા જઈ રહ્યું છે. વહીવટી રાજધાની હોવાની સાથે 10થી વધુ પ્રીમિયમ યુનિવર્સિટીથી ગાંધીનગર એજ્યુકેશનનું પણ હબ પણ બની રહ્યું છે.

ગાંધીનગરના 59 માં સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર શહેર વસાહત મહામંડળ તેમજ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા આયોજિત સમારોહમાં મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય રીટાબેન પટેલ તેમજ સ્ટેન્ડીંગ ચેરમેન જશવંત પટેલ સહીતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં થર્મલ પાવર સ્ટેશન તેમજ સેકટર – 5 ખાતે કેક કાપીને ધામધૂમથી ઊજવણી કરાઈ હતી. આ પ્રસંગે મેયરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી , ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે વિકાસની દિશામાં દાખવેલા દુરંદેશીપૂર્ણ આયોજન થકી આપણું ગાંધીનગર સફળતાનાં નવા સોપાન સર કરી રહ્યુ છે. શરૂઆતમાં 28 અને 29 એમ માત્ર બે સેક્ટરથી જાણીતું ગાંધીનગર આજે 1 થી 30 સેક્ટરો અને “ક” થી “જ” ના માર્ગો કે એક થી સાત સર્કલો પૂરતું સીમિત નથી રહ્યું. પણ ગાંધીનગર શહેર વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ બન્યું છે. વર્ષ 1971 માં ગુજરાતના પાટનગરને અમદાવાદથી ગાંધીનગર કરવામાં આવ્યું. આજે ગાંધીનગર આસપાસના ઘણા ગામનો સમાવેશ થયો છે. 2020માં 18 ગ્રામ પંચાયતો અને એક નગરપાલિકા સમાવેશ થતા ગાંધીનગરનો વ્યાપ ખૂબ વધ્યો છે.

ગાંધીનગરને શ્રેષ્ઠ બનાવવાની સાથે સુરક્ષિત અને સવલત પર બનાવવાની હંમેશા સરકારની નેમ રહી છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના સમર્થ નેતૃત્વમાં ગાંધીનગરે શાંતિ, સ્થિરતા અને એકતા સાથેના સર્વાંગી વિકાસનો ત્રિવેણી સંગમ રચ્યો છે. મહાત્મા મંદિર અને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી એટલે કે ગિફ્ટ સિટી ગાંધીનગર નવી ઓળખ બની ગયા છે. ગાંધીનગર આજે ક્લિન અને ગ્રીન સીટીની સાથે સાથે સ્માર્ટ સિટી તરીકે પણ ઓળખાય છે. ગાંધીનગર શહેર આજે વિશ્વ સ્તરની યુનિવર્સિટીઓ માટે પહેલી પસંદ બન્યુ છે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે રાજ્ય ભરના વિદ્યાર્થીઓ શહેરમાં આવે છે.