અમદાવાદઃ શહેરના નાગરિકોની સેવા માટે સિવિક સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. શહેરીજનો મ્યુનિને લગતી કોઈપણ સેવા સિવિક સેન્ટર પર જઈને મેળવી શકે છે. હાલ પ્રોપર્ટી ટેક્સ એડવાન્સ ભરવામાં 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેનો શહેરીજનોમાં સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરીજનોને શનિવાર અને રવિવારના રજાના દિવસોમાં પણ લાભ મળી રહે તે માટે શહેરના 6 સિવિક સેન્ટરો હવે બીજા અને ચોથા શનિવાર ઉપરાંત રવિવારે પણ ચાલુ રાખવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. શહેરમાં જુદા જુદા સાત ઝોનમાં 62 જેટલા સિવિક સેન્ટર આવેલા છે, જેમાં તમામ ઝોનમાંથી એક એક સિવિક સેન્ટર હવે શનિવાર અને રવિવારે ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. શહેરના મધ્ય ઝોનમાં રીલીફ રોડ,પશ્ચિમ ઝોનમાં ઉસ્માનપુરા, ઉત્તર ઝોનમાં મેમકો, દક્ષિણ ઝોનમાં મણિનગર, પૂર્વ ઝોનમાં વિરાટનગર અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોડકદેવ સિવિક સેન્ટરો શરૂ રહેશે. રવિવારે સવારે 9.00થી 4.30 સુધી આ તમામ સેન્ટરો ચાલુ રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇ ગવર્નન્સ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે, તાત્કાલિક અસરથી દર બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારે સવારે 9.00થી 4.30 સુધી તમામ ઝોનની ઝોનલ ઓફિસમાં આવેલા સિવિક સેન્ટરો ચાલુ રહેશે. ટેક્નિકલ બાબતે ઇ ગવર્નન્સ, ચેક અને ટેક્સ કલેક્શન માટે નાણાં વિભાગ તેમજ ડેપ્યુટી એસેસર તેમજ ટેક્સ કલેકટર મારફતે ટેક્સ વિભાગે આ તમામ બાબતે વ્યવસ્થા કરવા પણ જણાવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સાતેય ઝોનમાં આવેલા કુલ 62 સિવિક સેન્ટરોમાં લોકોની સુવિધા માટેના કામો કરવામાં આવે છે. જેમાં પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, બીયુ પરમિશન, ડુપ્લીકેટ જન્મ-મરણ સર્ટિફિકેટ, ગુમાસ્તાધારા, હેલ્થ લાઇસન્સ, હોલ બુકિંગ, સ્વિમિંગ પૂલ ફી, ફાયર NOC સહિતની તમામ કામગીરી કરવામાં આવે છે.