1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ ખાતે ’75મો વન મહોત્સવ’ યોજાશે
દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ ખાતે ’75મો વન મહોત્સવ’ યોજાશે

દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ ખાતે ’75મો વન મહોત્સવ’ યોજાશે

0
Social Share

અમદાવાદઃ ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર તાલુકાના ગાંધવી ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે આ વર્ષે ‘75મો વન મહોત્સવ’ યોજાશે. પર્યાવરણના જતનની નેમ સાથે ગુજરાતમાં ‘વન મહોત્સવના’ આ વર્ષે 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.

મુખ્યમંત્રીના હસ્તે તેમજ વન-પર્યાવરણ મંત્રી મૂળુ બેરા અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં આગામી તા. 26 જુલાઈ-2024ના રોજ રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી નિમિત્તે સવારે 11.00 કલાકે 23માં સાંસ્કૃતિક વન ‘હરસિદ્ધિ વન’નું લોકાર્પણ કરવામાં આવશે. કોયલા ડુંગરની પાછળ આવેલા આ નવીન ‘હરસિદ્ધિ વન’ ખાતે વિવિધ પ્રજાતિના અંદાજિત 41,619 રોપાઓઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમંત્રી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ 33 જિલ્લા કક્ષાએ, 8 મહાનગરપાલિકા કક્ષાએ, 250 તાલુકા કક્ષાએ તેમજ 5,500 ગ્રામીણ કક્ષાએ ‘75મો વન મહોત્સવ’ યોજાશે.

ગુજરાતના મહાન સપૂત-દીર્ઘદ્રષ્ટા એવા સ્વ. કનૈયાલાલ મુનશીએ આજથી અંદાજે 75 વર્ષ પહેલાં રાજ્યમાં પ્રથમવાર વન મહોત્સવની ઉજવણી શરૂ કરી હતી. પર્યાવરણની ઉજવણીનો અનોખો લોકોત્સવ એટલે ‘વન મહોત્સવ-વનો:વૃક્ષોનો પર્વ’. તે સમયથી વન મહોત્સવની ઉજવણી કરવાની પ્રથા ગુજરાતમાં આજ પર્યત ચાલુ છે. આજે ગુજરાતમાં વિવિધ ૨૨ સાંસ્કૃતિક વનો નિર્માણ પામ્યા છે. જેમાં પુનિત વન- ગાંધીનગર, માંગલ્‍ય વન-અંબાજી, તીર્થકર વન- તારંગા, હરિહર વન-સોમનાથ, ભક્તિ વન-ચોટીલા, શ્‍યામલ વન-શામળાજી, પાવક વન-પાલીતાણા, વિરાસત વન-પાવાગઢ, ગોવિંદ ગુરૂ સ્‍મૃતિ વન-માનગઢ, નાગેશ વન-દ્વારકા, શક્તિ વન- કાગવડ, જાનકી વન-વાસદા, મહીસાગર વન-આણંદ, આમ્ર વન- વલસાડ, એકતા વન-સુરત, શહીદ વન-જામનગર, વિરાંજલી વન-વિજયનગર, રક્ષક વન-ભૂજ, જડેશ્વર વન-અમદાવાદ, રામ વન-રાજકોટ, મારૂતિનંદન વન-વલસાડ, વટેશ્વર વન-સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

નવીન હરસિદ્ધિ વનની વિશેષતાઓ:

દેવભૂમિ દ્વારકા જિલ્લાને વન વિભાગ દ્વારા બીજા સાંસ્કૃતિક વન તરીકે “હરસિદ્ધિ વન”ની ભેટ મળવા જઈ રહી છે.

સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝલક દર્શાવતી ‘સૌરાષ્ટ્રની સુગંધ’ થીમ સાથે રાજ્યના ૨૩માં સાંસ્કૃતિક “હરસિદ્ધિ વન”માં નવા અભિગમ સાથે પ્રવાસીઓને અનેક આકર્ષણો જોવા મળશે. જેવા કે મુખ્ય દ્વાર, પ્રવેશ પરિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, શ્રી કૃષ્ણ ઉપવન, શ્રી કૃષ્ણ કમળ વાટીકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણો નિમાર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાંસ્કૃતિક વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા, આયુષવન, વન કવચ, વાઈલ્ડ લાઇફ ઝોન, તાડ વાટીકા, પવિત્ર ઉપવન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, ગુગળ વન, કેક્ટસ વાટીકા વગેરે જેવા વનોનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.

આ વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત 41,619 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો, વડ, પીપળો, પ્રાગ વડ, વગેરેનો સમાવેશ થાય છે. દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ જેવા કે, પીલુ, નાળીયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવ્યા છે. ગૂગળ વન તથા કેક્ટસ વાટીકા વગેરેમાં તેના નામને અનુરૂપ પ્રજાતિઓ સાથે અન્ય પ્રકારના સુશોભનના રોપાઓ પણ ઉછેરવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code