આ વેબ શ્રેણીઓમાં ‘૯૦નો દાયકો ફરી જીવંત થયો!
જ્યોતિષની આગાહી સાચી હોઈ શકે? શું કોઈ ૧૧-૧૨મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી સંસ્કૃતના સુભાષિત ‘કાક ચેષ્ટા, બકો ધ્યાનં..’ને ટાંકતો સાંભળ્યો છે? શું કોઈ માર્ગદર્શક મહાભારતની કથાઓના આધારે વર્તમાનમાં કેવી રીતે લડવું તેનું માર્ગદર્શન આપી શકે? છૂટા હાથે સાઇકલ ચલાવવી, વૉકમેન રાખવું, જન્મદિવસની ઉજવણી ઘરમાં મમ્મીએ બનાવેલા ભોજનથી કરવી, દીકરાને ઉઠાડવા પંખો બંધ કરેવાની મમ્મીની ટ્રિક…વગેરે આ વેબ શ્રેણીઓમાં જોવા મળશે.
(જયવંત પંડયા)
તાજેતરમાં આવેલી વેબ શ્રેણીઓ પૈકી ‘યે મેરી ફેમિલી’ સિઝન ૨માં ૯૦ના દાયકાના મધ્યમ વર્ગના પરિવારની વાત બતાવવામાં આવી છે. તો ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ નામની ઉત્તર પ્રદેશના ગુંડા રાજની વેબ શ્રેણીમાં પણ ૯૦નો દાયકો બતાવાયો છે. આ અગાઉ આવેલી ‘મત્સ્યકાંડ’માં એક માર્ગદર્શક અને તેના માર્ગદર્શન પ્રમાણે લોકોને ઠગનારની વાત છે તે પણ ૯૦ના દાયકાની વાત છે.
આ ત્રણેય વેબ શ્રેણીઓમાં ‘૯૦ના દાયકાની સાથે બીજી સામાન્ય બાબત એ છે કે તેમાં મોટા ભાગે શુદ્ધ હિન્દીમાં સંવાદો છે. હિન્દુ ધર્મગ્રંથોનો આધાર વાત-વાતમાં લેવાયો છે. સાથે ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ અને ‘મત્સ્યકાંડ’ના દરેક પ્રકરણ (હપ્તા/એપિસૉડ)નાં નામ હિન્દુ કથાઓ પરથી છે.
દા.ત. ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ના હપ્તાઓનાં નામ; ૧. શંખનાદ ૨. માયાજાલ ૩. ચક્રવ્યૂહ ૪. રણનીતિ ૫. બિસાત ૬. તાંડવ ૭. યુદ્ધારંભ અને ૮. કુરુક્ષેત્ર. જ્યારે ‘મત્સ્યકાંડ’નાં હપ્તાઓનાં નામ છે; ૧. અભિમન્યુ ૨. ભસ્માસુર ૩. મોહિની અવતાર ૪. કર્ણ ૫. અજ્ઞાતવાસ ૬. યુયુત્સુ ૭. ચૌસર ૮. અશ્વત્થામા ૯. પિતામહ ભીષ્મ ૧૦. રણછોડ ૧૧. અપયશ: નાસ્તિ વિકલ્પ:.
આવી કલ્પના હજુ સુધી વેબ શ્રેણી તો છોડો, ફિલ્મો કે ટીવી ધારાવાહિકોમાં પણ વિચારી શકાતું નહોતું. કાં તો ફિલ્મો કે ટીવી શ્રેણીઓમાં શિખાધારી તિલક ધારી બ્રાહ્મણને શુદ્ધ હિન્દી બોલતો બતાવી તેની મજાક ઉડાવાતી અથવા તો ‘ગંગા કી સૌગંદ’ ફિલ્મના અમિતાભની જેમ પછી તેને તિલક મિટાવી, શિખા કપાવી ડાકુ કે મૉડર્ન બનતો બતાવાતો.
‘યે મેરી ફેમિલી’માં પણ સંસ્કૃત કહેવતો ટાંકવામાં આવી છે. તમે જુઓ કે જે રીતે ફિલ્મો કે ટીવી શ્રેણીઓમાં ઉર્દૂ અને અંગ્રેજી શીખવવા નાયક કે નાયિકાને ખોટું અંગ્રેજી કે ઉર્દૂ બોલતાં બતાવી કોઈ તેમને સુધારે તેવું બતાવાય છે, તેમ જો કરવું હોય તો શુદ્ધ હિન્દી બાબતે પણ કરી શકાય. ઘૂસાડવાની ઘણી બધી યુક્તિ (ટૅક્ટિક) હોય છે. ‘યે મેરી ફેમિલી’ સીઝન ૧ના મુખ્ય પાત્ર હર્ષુ નામના કિશોરને હિન્દી નથી આવડતું અને ઉનાળાના વેકેશનમાં તેને હિન્દી શીખવવા શિક્ષક ઘરે ભણાવવા આવે છે. આ શિક્ષક શુદ્ધ હિન્દી જ બોલે છે. તે હર્ષુને ખિજાવા પણ સંસ્કૃતમય શબ્દ – મૂર્ખાનંદ કહે છે. પ્રેમચંદ મુંશીની ‘દો બૈલ’ વાર્તા પણ ભણાવે છે જેના દ્વારા હર્ષુને પોતાના ભાઈના પોતાના પ્રત્યે પ્રેમની અનુભૂતિ થાય છે.
‘યે મેરી ફેમિલી’ સીઝન ૨માં જ્યારે મુખ્ય પાત્ર કિશોરી રીતિકા તેના સ્કૂલના મિત્ર જે હવે કોટામાં ભણવા ગયો છે અને ૩૧મી ડિસેમ્બરની રજામાં જયપુર આવે છે તેની પાર્ટીમાં જાય છે અને ધ્રૂવ પાસે કોટાનું સરનામું પત્ર લખવા માગે છે ત્યારે ધ્રૂવ ના પાડે છે. તે કહે છે, મારા પિતાએ મને કહ્યું છે,
काक चेष्टा, बको ध्यानं,
स्वान निद्रा तथैव च ।
अल्पहारी, गृहत्यागी,
विद्यार्थी पंच लक्षणं ॥
આ સંસ્કૃત સુભાષિતનો અર્થ છે – એક વિદ્યાર્થીમાં પાંચ લક્ષણો હોવાં જોઈએ. કાગડાની જેમ જાણવું, બગલાની જેમ ધ્યાન કરવું, શ્વાનની જેમ સૂવું, અલ્પાહારી રહેવું એટલે કે આવશ્યકતા જેટલું જ જમવું અને ગૃહ ત્યાગી (ઘરને છોડીને પહેલાં ગુરુકુળમાં શિક્ષણ મેળવવા લોકો જતાં).
ફિલ્મો, ટીવી સિરિયલો અને વેબ શ્રેણીઓમાં ઉર્દૂ શાયરીઓ અને મોગલોની જ વાત ટંકાતી હોય ત્યારે આવા સંસ્કૃત સુભાષિતને સાંભળીએ તો મન ઉદ્યાન ઉદ્યાન (દિલ ગાર્ડન ગાર્ડન, યૂ નૉ!) થઈ જાય કે નહીં?
આ જ રીતે ‘મત્સ્યકાંડ’માં આમ તો મુખ્ય પાત્ર – મત્સ્ય ઠગ છે, પરંતુ તે ઠગ બન્યો છે તેના કાકા જે હવે તેના સાવકા પિતા પણ છે અને રાજ્યના ઉપ મુખ્ય પ્રધાન બન્યા છે તેની સામે બદલો લેવા. આ ક્રમમાં તેને તેના ગુરુ આનંદ પંડિતનો બદલો લેવા સટ્ટાબાજને ઠગવો પડે છે, એક ઉદ્યોગપતિને શીશામાં ઉતારી તેના પૈસા લૂંટવા પડે છે. પરંતુ આ માટે જેલમાં તેના ગુરુ આનંદ પંડિત તેને જે માર્ગદર્શન આપે છે તેમાં મહાભારતની કથા અને ખાસ તો યુદ્ધની રણનીતિના આધારે શીખવાડે છે.
આપણે ત્યાં કથાવાચકોએ માત્ર શ્રીકૃષ્ણની બાળલીલા અને ગોપીઓ સાથે રાસલીલા કહીને કાં આનંદ આપ્યો, કાં રડાવ્યા અને કાં નચાવ્યા. પરંતુ દેશની પરિસ્થિતિ અનુસાર તૈયાર કરવા યુદ્ધની વાત જ ન કરી !
સામાન્ય રીતે ફિલ્મો-ટીવી સિરિયલો અને વેબ શ્રેણીઓમાં વર્ષોથી સાધુ અને જ્યોતિષના પાત્રને નકારાત્મક દેખાડાય છે. ‘સાધુ ઔર શેતાન’ ફિલ્મ યાદ કરો. ‘હેરાફેરી’નું ‘વક્ત કી હેરાફેરી’ ગીત યાદ કરો કે ‘શાન’ ફિલ્મનું ‘દરિયા મેં જહાજ ચલે પાશઆ ગીત યાદ કરો. આ બંને ગીતોમાં અનુક્રમે અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના તેમજ અમિતાભ બચ્ચન અને શશિ કપૂર સાધુના વેશમાં લોકોને લૂટે છે. ‘જૉની મેરા નામ’માં હેમામાલિની સાધ્વી બનીને અને પ્રાણ સાધુ બનીને મંદિરમાં ઘરેણાં લૂટવા જાય છે તો ‘સુહાગ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને શશિ કપૂરની હત્યા કરવા અમજદ ખાને આદેશ આપ્યો હોય છે, મંદિરમાં રાસગરબા હોય છે અને અમજદ ખાન અમિતાભ બચ્ચન આ કામ પાર પાડે તે માટે સાધુ બનીને આવ્યો હોય છે. આવાં તો અનેક ઉદાહરણ આપી શકાય. આની સામે ‘શોલે’ના ઇમામ સારા હોય છે જે કહે છે કે તેમને તેમના દીકરાની ગબ્બરસિંહ દ્વારા હત્યાનું દુઃખ નથી. તેમને તો દુઃખ છે કે તેમને ભગવાને બીજા દીકરા કેમ ન આપ્યા રામગઢના લોકોની રક્ષા માટે બલિદાન આપવા માટે? અને પછી મસ્જિદમાં નમાઝ પઢવા જાય છે.
કોઈ સાધુને ગમે તેવી સ્થિતિમાં દેશ માટે ત્યાગ કરતો, પ્રાર્થના કરતો બતાવાયો નથી. આ જ રીતે જ્યોતિષીઓને પણ સદૈવ ખોટા, અંધવિશ્વાસ ફેલાવનારાઓ જ બતાવાયા છે. ‘લગે રહો મુન્નાભાઈ’માં અંકશાસ્ત્રી જ્યોતિષ બટુક મહારાજ (સૌરભ શુક્લ)નું પાત્ર યાદ કરો. તે ઉદ્યોગપતિ ખુરાનાને સલાહ આપતો હોય છે. તે કહે છે કે છોકરી માંગલિક છે તેથી લગ્ન ન કરાય. અને ફિલ્મમાં બતાવાય છે કે છોકરી માંગલિક છે અને છોકરો નથી, પણ બંનેનું લગ્નજીવન સુખી છે. તે બટુક મહારાજને અંતિમ દૃશ્યોમાં જ્યારે સર્કિટ બંદૂક મૂકી પૂછે છે કે આગામી થોડી મિનિટોમાં તારું શું થશે? તો બટુક મહારાજ બેભાન થઈને પડી જાય છે.
ખરેખર તો દેશમાં જ્યોતિષ સંદર્ભે સર્વે થવો જોઈએ કે કેટલાં માંગલિક લોકોના અમાંગલિક કુંડળીવાળા સાથે લગ્ન સુખી છે? જ્યોતિષીને પણ ગોચર ગ્રહ, કુંડળીના જન્મ સમયના ગ્રહો, યોગો, યુતિ, અંશ, દશા, મહાદશા વગેરે અનેક બાબત જોવી પડતી હોય છે. પછી તે સચોટ ભવિષ્ય ભાખી શકે. અને કોઈ કાન પર બંદૂક રાખી દે તો ગભરાટમાં વિદ્યા ભૂલી પણ જઈ શકે. કર્ણ સાથે તેનું રથનું પૈડું યુદ્ધમાં ફસાઈ ગયું ત્યારે એવું જ થયું હતું ને. તેમાં જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી સાબિત થતું.
જોકે ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં મુખ્ય પાત્ર ઇન્સ્પેક્ટર અવિનાશ (રણદીપ હુડા)ના માર્ગદર્શક એક જ્યોતિષ અને વિધિવિધાનના જાણકાર બ્રાહ્મણ છે. આ પાત્ર ‘મહાભારત’માં શ્રી કૃષ્ણના પિતા વસુદેવ બનનાર વિષ્ણુ શર્માએ ભજવ્યું છે. તેઓ અવિનાશને કોઈ પણ ગુંડાને પકડવા જતી વખતે કેવા ગ્રહ છે, શું થશે, ગુંડો ક્યાંથી મળશે તે સૂચવે છે.
આ ચારેય વેબ શ્રેણીમાં હિન્દુ જીવનપદ્ધતિ અને પરિવાર સાથે હળીમળીને રહેવાની વાત પણ સરસ આલેખાઈ છે. ‘યે મેરી ફેમિલી’ સીઝન ૧માં બે ભાઈ વચ્ચે અને સીઝન ૨માં બહેન-ભાઈ વચ્ચે ઝઘડા થાય છે. બંનેમાં મુખ્ય પાત્રને તેમની માતા ગમતી નથી કારણકે કડક છે. પિતા ખાસ ચંચુપાત કરતા નથી, પરંતુ તેમના પ્રત્યે પણ અહોભાવ નથી. સીઝન ૨માં સાસુ આવે છે, વહેલા ઊઠી જાય છે. પૂજા કરે છે. પરંતુ તેથી સાસુ-વહુને કોઈ ઝઘડા નથી થતા. દાદીથી શરૂઆતમાં પૌત્રીને તકલીફ લાગે છે પરંતુ એ જ દાદી તેની સખી જેવાં બની જાય છે.
બંને સીઝનમાં ક્રમશ: ઝઘડા પ્રેમમાં પરિવર્તિત થાય છે જેમાં એકબીજા માટે ત્યાગની ભાવના કારણરૂપ બને છે. સીઝન ૧માં મોટો ભાઈ દેવાંશ પહેલાં તો કોટા ભણવા જતી વખતે પોતાના ખાનાને તાળું મારીને અને નાના ભાઈ પાસેથી વૉકમેન તેમજ કૉમિક્સ લઈને જતો બતાવે છે પરંતુ તે ચાલ્યો જાય છે ત્યારે નાનાને ખબર પડે છે કે તે તો ખાનાની ચાવી ઘરે મૂકીને ગયો છે અને તેમાં વૉકમેન અને કૉમિક્સ છે જ.
સીઝન ૨માં મોટી બહેન તેના નાના ભાઈને વિજ્ઞાન મેળામાં મૉડલ બળી જાય છે તો તેના સમારકામ માટે પોતાની ખોખો મેચની પસંદગી થવાની હોય છે તે ટ્રાયલમાં મોડા જવાનું પસંદ કરે છે.
‘મત્સ્યકાંડ’માં પણ મુખ્ય પાત્ર મત્સ્યનો તેની માતા પ્રત્યે અપાર પ્રેમ અને ગુરુ આનંદ પંડિત પ્રત્યે શ્રદ્ધા દર્શાવાઈ છે. આનંદ પંડિતની કિડની ફેઇલ થઈ ગઈ છે. તેમને મરવાનું નિશ્ચિત છે તો તે મત્સ્ય ભાગી શકે તે માટે પોતે તેની જગ્યાએ દર્દી તરીકે ગોઠવાઈ આત્મદાહ કરી લે છે જેથી મત્સ્ય મરી ગયો છે તેમ બધાને લાગે.
આ વેબ શ્રેણીઓ જોશો તો ૯૦ના દાયકાની ઘણી વાતો યાદ આવી જશે. તેની નાનકડી ઝલક:
વારંવાર જતી લાઇટ, ઉઠાડવા માટે પંખો બંધ કરી દેવાની મમ્મીની ટ્રિક, જબ મૈં છોટા બચ્ચા થા બડી શરારત કરતા થા- જાહેરખબર, ધારા તેલની ઍડ, નાના ભાઈને મોટા ભાઈનાં કપડાં અને પુસ્તકોથી ચલાવવાનું, સ્કૂલ બેગમાંથી નીકળતું ઍડલ્ટ મેગેઝિન ડેબૉનિયર, કાયમ ચૂર્ણ, ફટકડી, રવિવારનું મહત્ત્વ, રવિવારે ખરીદવા બહાર જવું (ઑનલાઇન ખરીદી એ વખતે નહોતી), હાજમોલા, છોકરું ખોવાઇ જાય તો ઓળખીતા ઘરે મૂકી જાય, લેન્ડલાઇન ફૉન, થોડા સમય પછી તેમાં આવેલું કૉલર આઈડી, ડાબર ચ્યવનપ્રાશ, લાખાણી ચપ્પલ, લોકોને પ્રભાવિત કરવા છૂટા હાથે સાઇકલ ચલાવવી, જ્યારે જન્મદિવસ ઘરે ઉજવાતો, મેરે સપનોં કી રાની કબ આયેગી, સફેદ વાળવાળા દુકાનદારને ભૈયા કહે તે નથી ગમતું, તે કહે છે મને દાદા કહે, છોકરી પાસે સ્લેમ બુકમાં મનપસંદ વસ્તુઓની વાત ભરાવવી, દુકાનદાર પાસે ભાવતોલ કરાવવો, મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ ઐશ્વર્યા રાય તથા સુષ્મિતા સેન, બાંય વગરનાં ગંજી, મારિયો વિડિયો ગેમ, પુસ્તકને પૂઠાં ચડાવવાં, તેના પર સ્ટિકર લગાવવાં, વૉકમેન, પ્રેમચંદ મુંશીની દો બૈલોં કી કથા, દેવાંશ ભણવા કોટા જાય ત્યારે મા પુરી-બટેટા ડબ્બામાં ભરી આપી બહારનું ન ખાવા સલાહ આપે, એમ્બેસેડર અને ફિયાટ કાર, અગાશી પર સૂકવવા મૂકેલાં મરચાં, ઑલ ઇન્ડિયા રેડિયો, શક્તિમાન, મોગલી, હમ આપ કે હૈ કૌન, ડીડીએલજે, પ્યાર કિયા તો ડરના ક્યા, મૃત્યુ દાતા, રાજા હિન્દુસ્તાની, એક દો તીન ગીત, દેવાંગ પટેલનું ગીત માધુરી મિલી રસ્તે મેં, એક લડકી કો દેખા તો ઐસા લગા, આજ મૌસમ બડા બેઇમાન હૈ, મિલે સૂર મેરા તુમ્હારા, ક્લૉઝ અપ અંતાક્ષરી,, અલ્તાફ રાજાની કવ્વાલી, કેઓકાર્પિન તેલ, ટેબલ ફેન, ૪૮૬ પીસી, અલ્તાફ રાજાની કવ્વાલી, અજાણ્યાને પણ મદદ કરવાની ભાવના…
આ તો જગ્યાના અભાવે નાનકડી ઝલક છે. આ વેબ શ્રેણી માત્ર નથી. ૯૦ના દાયકાનાં મૂલ્યોની વાત છે. જમાનો ભલે બદલાઈ ગયો હોય, મૂલ્યો બદલાયાં નથી. પરિવાર છે જ, સંબંધો છે જ, માનવ સંવેદનાઓ પણ છે જ, ઈશ્વર પણ છે જ. બસ, વર્ચ્યુઅલ દુનિયાના આભાસી સંબંધો અને લાઇકના ચક્કરમાંથી બહાર નીકળવાની આવશ્યકતા છે.
(PHOTO-FILE)