1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારશે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારશે

0
Social Share

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઊભા રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થયો નથી. એટલે ગત વિધાનસભાની ચૂંટણીની જેમ આમ આદમી પાર્ટી કોંગ્રેસને જ નુકશાન કરશે. અને તેનો લાભ ભાજપને મળશે. એવું રાજકીય પંડિતો માની રહ્યા છે.

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં ગુજરાતના પ્રદેશ નેતાઓ સાથે દિલ્લીમાં મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને ધારાસભ્ય હેમંત ખવા હાજર રહ્યાં હતાં. બેઠકમાં 2024ની આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતના તમામ સમીકરણો અને ગુજરાતના મુદ્દાઓને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ અને કઈ રીતે સંગઠનને મજબૂત બનાવીને, લોકો સુધી પહોંચીને આમ આદમી પાર્ટીને વિજય અપાવી શકીએ તે બાબતની પણ ચર્ચા વિચારણા થઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ વિધાનસભાની સીટો પર ચૂંટણી લડી હતી અને પાંચ સીટો પર જીત મેળવી હતી તથા 40 સીટ પર બીજા સ્થાને રહ્યા હતા. તો આ જ રીતે ગુજરાતની તમામ લોકસભા સીટો પર પણ આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. તો તેને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં ચર્ચા થઈ હતી. આગામી સમયમાં લોકસભા ચૂંટણી માટે કઈ રીતે આ સંગઠનને વધુ મોટું અને મજબૂત કરવામાં આવે તે બાબતમાં પણ વિસ્તારપૂર્વક વાત કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ લોકસભા સીટો પર ચૂંટણી લડશે અને દેશની રાજનીતિમાં જે સકારાત્મક રાજનીતિની શરૂઆત અરવિંદ કેજરીવાલે કરી છે તે સકારાત્મક રાજનીતિને આગળ વધારવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code