Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીએ પ્રવેશની કામગીરી ખાનગી એજન્સીને સોંપતા ABVPએ વિરોધ કર્યો

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રકિયા માટે ખાનગી એજન્સીને કામગીરી સોંપાતા વિરોધ જાગ્યો છે.  આ કામગીરીમાં ખાનગી એજન્સી દ્વારા ગોટાળા કરવામાં આવતા હોવાનો ભાજપની વિદ્યાર્થી પાંખ  ABVPએ આક્ષેપ કર્યો છે. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, તેમની પરીક્ષા ફી પરત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા અને પરીક્ષા ફી લઈને રજૂઆત કરવામાં આવી હતી. ABVPનો આક્ષેપ છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રકિયા કરતી ખાનગી એજન્સી ગડબડ કરે છે. જેથી એડમિશન પ્રકિયાની કામગીરી સરકારી કંપનીને આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ઉપરાંત જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમને પરીક્ષા ફી ભરી હોય તે પરત આપવામાં આવે.આ માંગણી પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર રીતે આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી હતી.

NSUI દ્વારા પણ યુનિવર્સિટીના કુલપતિને ફી પરત આપવા મામલે શુક્રવારે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓની ગત વર્ષ દરમિયાનની ફી પરત આપવા માંગણી કરવામાં આવી છે. NSUIની માંગણી છે કે આખા વર્ષ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોઈ કામકાજ કરવામાં આવ્યું નથીં પરંતુ ફી અખા વર્ષની ઉઘરાવવામાં આવી છે. જેમાં સ્પોર્ટ્સ, જીમ, લાયબ્રેરી, યુથ જેવી અનેક પ્રકારની ફી છે. કોરોનાને કારણે તમામ કોલેજો પણ બંધ હતી અને કોઈ વધારાની પ્રવૃત્તિ પણ થઇ નથી. જેથી નૈતિકતાના આધારે ફી પરત કરવી જોઈએ. જેનાથી મહામારીના સમયમાં વાલીઓને રાહત મળે.