વડોદરાની M S યુનિવર્સિટીમાં 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશને મુદ્દે ABVPએ લડત આરંભી
વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આ વર્ષે કોમન એડમિશન સિસ્ટમ લાગુ કરાતા અગાઉ જે 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જોગવાઈ હતી તે યથાવત રહેશે કે કેમ તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાથી વિદ્યાર્થીઓ અસમજસભરી સ્થિતિમાં મુકાયા છે. બીજીબાજુ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે લડતનું એલાન કરાયા બાદ હવે એબીવીપી પણ મેદાનમાં આવી છે. એમ એસ યુનિવર્સિટી કેમ્પસમાં ABVP દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે, ‘વાઇસ ચાન્સેલર ગુમ થયા છે, ઉપરના ફોટોમાં દર્શાવેલ વ્યક્તિ ભૂલથી ક્યાંક દેખાય તો વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ માટે ABVPનો સંપર્ક કરવો’ આવા બેનરથી ફરી વિવાદ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને 70 ટકા અનામતનો મુદ્દો ગરમાયો છે. જેને લઈને આ પોસ્ટર લાગ્યા છે.
ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીમાં આ વર્ષથી કોમન એડમિશન સિસ્ટમ અપનાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓએ કોમન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. એમ એસ યુનિવર્સિટીમાં 70 ટકા વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને પ્રવેશની જોગવાઈ છે. એનો આ વર્ષે અમલ થશે કે કેમ તે અંગે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ યુનિવર્સિટીઓના સત્તાધિશો પણ અવઢવ અનુભવી રહ્યા છે. આ અંગે ABVPના અગ્રણી અક્ષય રબારીએ જણાવ્યું હતું કે, એમ.એસ. યુનિવર્સિટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન ઓછા આપવાનો મુદ્દો છે. આટલો મોટો વિષય હોવા છતાં વાઇસ ચાન્સેલર ચૂપ છે. તેઓ ક્યારેય વિદ્યાર્થીઓ વચ્ચે આવતા નથી. એટલા માટે બેનરો લગાવ્યા છે કે, આ બેનર વાંચીને સાહેબનો અંતરઆત્મા જાગે અને આવીને પૂછે કે, વિદ્યાર્થીઓનો પ્રશ્ન શું છે? છેલ્લા 2 વર્ષથી તેઓ એસી ચેમ્બરમાં બેસી રહે છે. માત્ર યુનિવર્સિટીનું કામ કરે છે, વિદ્યાર્થીઓના હિત માટે કોઈ કામ કરતા નથી. જેથી બેનર લગાવ્યા છે કે, સાહેબ ગુમ થયેલ છે અને તેની નીચે લખ્યું છે કે, તમને ક્યાંય દેખાય તો વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે એબીવીપીનો સંપર્ક કરવો.
તેમણે ઉમેર્યું હતું કે, એબીવીપી વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે લડી રહ્યું છે, પરંતું તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવી રહ્યો નથી. જેથી આ બેનર લગાવવા પડે છે. સામાન્ય નાગરિકને પણ આ જાણ થાય તેના માટે આ બેનર લગાવ્યા છે. આગામી દિવસોમાં કોઈ જવાબ નહીં મળે તો વિવિધ કાર્યક્રમો કરીને વીસીને જગાડવામાં આવશે. તેમનો જવાબ લેવામાં આવશે કે, તમારો નિર્ણય શું છે? આ વર્ષે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વડોદરા બહાર જવું પડે તેવા સંજોગો સર્જાયા છે, કારણ કે, એમ.એસ. યુનિવર્સિટીમાં 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્રાઇટ એરિયા કાઢી નાખવાની હિલચાલ શરૂ થઈ છે, તેથી વિરોધ થઈ રહ્યો છે.