ભરૂચ : રાજ્યમાં નાના કર્મચારીઓ નહીં અધિકારીઓમાં પણ લાંચ લેવાના નાવો બનતા જાય છે. ગાંધીનગર અને સુરતમાં અધિકારીઓ લાંચ લેતા પકડાયા બાદ હાંસોટમાં પણ એક અધિકારી રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો. જિલ્લાના હાંસોટ DGVCL નો જુનિયર ઈજનેર ₹10 હજારની લાંચ લેતા ઝડપાયો હતો. વીજ મીટર મેળવવા માટે ઇજનેરે નિયત ફી ઉપરાંત ₹14 હજારની માંગણી કરી હતી. અંતે 10 હજાર નિયત થતા ફરિયાદીએ ભરૂચ ACB ને ફરિયાદ આપતા છટકું ગોઠવાયું હતું.
ભરૂચ જિલ્લામાં આજે પણ લોકોને એક વીજ કનેક્શન મેળવવા માટે ભ્રષ્ટાચારનો સામનો કરવો પડે છે. જિલ્લાના હાંસોટ તાલુકામાં વીજ મીટર મેળવવા એક વ્યક્તિએ કરેલી અરજી સામે લાંચ પેટે ₹10 હજાર માંગતા જુનિયર ઈજનેર ભરૂચ ACB ના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયો છે.
એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં વર્ગ 2માં જુનિયર ઈજનેર તરીકે ધવલ મહેશભાઇ પટેલ ફરજ બજાવે છે. હાંસોટ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે ફરીયાદીએ ઇલેક્ટ્રીક મીટર મેળવવા સારુ અરજી કરી હતી. જે અરજીના કામે કોટેશન મુજબ રૂપિયા 21191 ભરવાના હતા. અને આ કામના આરોપી લાંચિયા જુનિયર ઈજનેરે ફરીયાદી પાસેથી કોટેશન સિવાયના વધારાના લાંચ પેટે ₹14 હાજરની માંગણી કરી હતી. જે લાંચની રકમ રકઝકના અંતે રૂપિયા 10 હજાર આપવાના નક્કી કરાયા હતા. જે 10 હજારની લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.
ભરૂચ એન્ટી કરપશન બ્યુરો ACB ના પોલીસ ઇન્સ્પેકટર એસ.વી.વસાવા અને તેમની ટીમે જુનિયર ઇજનેરની રંગેહાથે લાંચ લેવા છટકું ગોઠવ્યું હતું. જેમાં જુનિયર ઈજનેર ધવલ પટેલ ₹10 હજારની લાંચ સ્વીકારી પકડાઇ જતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લાંચિયા DGVCL ના જુનિયર ઇજનેરને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ટ્રેપ એસીબી મદદનીશ નિયામક વડોદરાના પી.એચ.ભેસાણીયાની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી.