દાહોદ જિલ્લામાં 144 ગુનામાં વોન્ટેડ આરોપીને પોલીસે જાનૈયાના સ્વાંગમાં જઈને ઝડપી પાડ્યો
દાહોદઃ ક્યારેક રિઢા ગુનેગારોને પકડવા માટે પોલીસે અવનવા વેશ ધારણ કરવા પડતા હોય છે. ત્યારે દાહોદ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે 144 જેટલા ગુનાનો વોન્ટેડ રિઢા આરોપીને પકડવા માટે જાનૈયાનો વેશ ધારણ કરવો પડ્યો હતો. આ આરોપી એટલે ચપળ હતો કે પોલીસ તેને પકડવા નીકળે તે પહેલા જ તેને જાણ થઈ જતી હતી. મૂળ મધ્ય પ્રદેશનાં ગોવાળી પતરા ગામના આરોપી પીદીયા રતના સંગાડિયાને ઝડપી લેવા પોલીસે છેલ્લાં એક માસથી કમર કસી હતી. રવિવારે પીદીયો ખરોદા ગામની આલની તળાઇના જંગલમાં આવવાનો હોવાની બાતમી મળી હતી. જેથી તે છટકી ના જાય તે માટે પોલીસે જાનૈયા બનીને જવાનો પ્લાન ગોઠવ્યો હતો. આખરે આરોપીને દબોચી લીધો હતો.
દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે જાનૈયાઓનો વેશ ધારણ કરી રાજ્યાન મોસ્ટ વોન્ટેડ બુટલેગર ઝડપી પાડ્યો છે. આ બુટલેગર 144 થી વધુ ગુનાઓમાં વોન્ટેડ હતો. દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે જાનૈયાઓનો વેશ ધારણ કરી રાજ્યનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર ઝડપી પાડ્યો છે. દાહોદ જિલ્લો સરહદી જિલ્લો છે, જેની પાસે રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર અડીને આવેલી છે. અન્ય રાજ્યોની બોર્ડર નજીક આવેલી હોઈ અહી આસાનીથી ધુસાડવામા આવે છે. પરંતુ જેમ બુટલેગરો સ્માર્ટ બની રહ્યા છે તેવી જ રીતે પોલીસ પણ હવે સ્માર્ટ બની રહી છે. ફિલ્મી થ્રીલરની જેમ રાજયના સૌથી મોસ્ટ વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડવામાં લોકલ ક્રાઈમ બ્રાંચને સફળતા મળી હતી.
પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, બાતમી મળતા જ એલસીબી પોલીસે તાત્કાલિક અસરથી ડી.જે મંગાવી જીપ, ક્રુઝર, બાઇક સહિતના ખાનગી વાહનો તૈયાર કરી તેની પર વર અને કન્યાના નામના ડમી સ્ટીકર પણ ચોંટાડ્યા હતાં.પીએસઆઇ ડી.ડી પઢિયાર, એમ.એલ ડામોર સાથે 23 કર્મચારીને ઓપરેશનમાં જોતરી જાનૈયા બનાવ્યા હતાં. LCB પીઆઇ કે.ડી.ડીંડોર સહિત તમામે માથે સાફા પણ બાંધ્યા હતાં. બોરડીથી ડીજે વગાડતાં નાચતા ગાતાં આલની તળાઇ જઇ જંગલમાંથી પીદીયાને ઝડપી લીધો હતો.નોંધનીય છે કે તપાસમાં તેની સામે વધુ નવ ગુના નીકળતાં કુલ 144 ગુનામાં તે વોન્ટેડ હોવાનું સામે આવ્યુ હતું. તેના માથે 10 હજારનું ઇનામ હતું.
પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના ટોપ-24 તથા જિલ્લામાં ટોપ-10 યાદીમા જેનું નામ વોન્ટેડ લિસ્ટમાં સૌથી મોખરે હતું. અને જે બુટલેગર છેલ્લા 2007થી પોલીસ ચોપડે 144 થી વધુ ગુનાઓમા નાસતો ફરતો હતો, તે એક લગ્ન પ્રસંગમા આવવાનો હોવાનુ લોકલ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી.