1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચોમાસામાં સંભવિત કુદરતી આપત્તિ સામે ગુજરાતનું વહિવટીતંત્ર સંપૂર્ણ તકેદારી સાથે સુસજ્જ
ચોમાસામાં સંભવિત કુદરતી આપત્તિ સામે ગુજરાતનું વહિવટીતંત્ર સંપૂર્ણ તકેદારી સાથે સુસજ્જ

ચોમાસામાં સંભવિત કુદરતી આપત્તિ સામે ગુજરાતનું વહિવટીતંત્ર સંપૂર્ણ તકેદારી સાથે સુસજ્જ

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમારે રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્‍કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ  અધિકારીશ્રીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજી ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી. ગાંધીનગર ખાતે યોજાયેલી આ ‘‘પ્રિમોનસુન પ્રિપેર્ડનેસ’’ અંગેની બેઠકના અઘ્યક્ષસ્થાનેથી મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, સંભવિત આપત્તિના સામના માટેની જેટલી આગોતરી સજ્જતા કેળવાય તેટલી ઝડપથી આપણે રાહત-બચાવની કામગીરી કરી શકીશું અને ઓછામાં ઓછું નૂકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકશે. તેમણે તમામ વિભાગોને આપત્તિ વ્યવસ્થા૫ન પ્લાન જરૂરી ફેરફાર સાથે તૈયાર રાખવા જણાવી, રાજ્ય વહિવટી તંત્ર, કેન્દ્ર સરકારની કચેરીઓ, સુરક્ષા એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન રાખવા પર પણ ભાર મૂક્યો હતો.

તેમણે તાલુકા સ્તરેથી તાલુકા-ગામડાઓ વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન યોગ્ય થાય તે અંગે તંત્રને તાકીદ કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય હવામાન વિભાગના ડિરેક્ટર શ્રીમતી મનોરમા મોહંતીએ આગામી ચોમાસાની અસર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. હવામાન ખાતાના અત્યાર સુધીના અભ્યાસ અનુસાર રાજ્યમાં સામાન્ય કે સામાન્યથી ઓછો વરસાદ રહે તેવી સંભાવના છે. કેરળમાં આગામી તા. ૪ જૂન, ૨૦૨૩થી વરસાદ શરૂ થવાની શક્યતા છે, જ્યારે ગુજરાતમાં તા. 15 જૂન, 2023 પછી ચોમાસાની શરૂઆત થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી હતી.

મહેસૂલ વિભાગના અઘિક મુખ્ય સચિવ કમલ દયાનીએ આ બેઠકમાં રાહત બચાવ સંદર્ભે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે કહ્યું કે, સંભવિત ચોમાસાની પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં આગામી તા. 1લી જૂનથી ફ્લડ કન્ટ્રોલ રૂમ કાર્યરત થશે. તેમણે ઉમેર્યું કે,  પરિસ્થિતીને પહોંચી વળવા માટે રાજ્યમાં એન.ડી.આર.એફ.ની કુલ 15 ટીમો ઉપલબ્ધ રહેશે. જે પૂરતી બોટ, લાઈફ જેકેટ તથા અદ્યતન કમ્યુનિકેશનની સુવિધાઓથી સજ્જ હશે. આ ટીમો જરૂર પડે ત્યારે રાહત-બચાવ કામગીરી માટે ખડેપગે રાખવામાં આવી છે. એસ.ડી.આર.એફની 11 ટીમો ૫ણ રાહત બચાવ કામગીરી માટે સજ્જ રાખવામાં આવી છે. ઉપરવાસના વિસ્તારોમાં વધુ વરસાદ સમયે સતર્કતા સંદર્ભે પગલાં ભરવા ઉપરાંત રાજ્યના તમામ વિભાગો દ્વારા આપત્તિ વ્યવસ્થા૫ન પ્લાનને અદ્યતન કરાયો હોવાની માહિતી આપી હતી. આ ઉ૫રાંત લશ્કરની ત્રણેય પાંખ ભારે વરસાદ દરમિયાન સંભવિત આપત્તિની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય વહીવટીતંત્ર સાથે સંકલનમાં હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું. વઘુમાં બી.એસ.એફની ટીમો, રેપીડ એકશન ફોર્સ (ગુજરાત ફ્રન્ટીયર)ની ટીમ તથા તેની મહિલા ટીમો ૫ણ  રાહત બચાવ કામગીરી માટે સજ્જ રાખવામાં આવી છે.

આ બેઠકમાં મુખ્ય સચિવએ આપત્તિ સામે સંભવિત વિવિધ વિભાગોની સજ્જતાની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આપત્તિ વ્યવસ્થા૫નમાં લોકોની સતર્કતાને મહત્વની ગણાવી આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત પૂર કે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓના સામના માટેની પૂર્વ તૈયારી માટે લોકોને પણ જાગૃત કરવા જણાવ્યું  હતું. આ બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગના અઘિક મુખ્ય સચિવશ્રી કમલ દયાની, રાહત કમિશનરશ્રી હર્ષદ ૫ટેલ, હવામાન વિભાગ, ઇસરો, સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ પોત-પોતાના વિભાગની ચોમાસાની પૂર્વતૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code