1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો તા.17મી ઓગસ્ટથી ‘બ્લેક સપ્તાહ’ મનાવી સરકાર સામે વિરોધ કરશે
ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો તા.17મી ઓગસ્ટથી ‘બ્લેક સપ્તાહ’ મનાવી સરકાર સામે વિરોધ કરશે

ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો તા.17મી ઓગસ્ટથી ‘બ્લેક સપ્તાહ’ મનાવી સરકાર સામે વિરોધ કરશે

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના વર્ષોથી વણઉકલ્યા પ્રશ્નો છે. શાળાના કર્મચારીઓ, શિક્ષકો અને સંચાલકો દ્વારા પણ સરકારને અવાર-નવાર રજુઆતો કરવા છતાયે પ્રશ્નો ઉકેલાતા નથી. ત્યારે શાળા સંચાલકોએ ફરી લડતનો માર્ગ લીધો છે. ગ્રાન્ટેડ શાળાના તમામકર્મચારીઓ, શિક્ષકો તેમજ સંચાલકો તા. 17મી ઓગસ્ટથી બ્લેક સપ્તાહ મનાવીને સરકારનો વિરોધ કરશે.

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પડતર માંગણીઓને લઈને શરૂ કરેલા આંદોલનની આગળની રણનિતી નક્કી કરી છે. મંગળવારે ગાંધીનગર ખાતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં આ કાર્યક્રમ અંગે ઠરાવ કરાયો હતો. જેમાં 12 ઓગસ્ટના રોજ તમામ ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓ તાલુકા મથકે પ્લે કાર્ડ સાથે મૌન ધરણા કરશે. ત્યારબાદ 17 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન બ્લેક સપ્તાહ ઉજવવાનું નક્કી કરાયું છે. જેમાં ગ્રાન્ટેડ શાળાના તમામ કર્મચારીઓ અને સંચાલકો એક સપ્તાહ સુધી કાળા કપડા પહેરીને આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની એક બેઠક ગાંધીનગર ખાતે મળી હતી. આ બેઠકમાં સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નો મુદ્દે શરૂ કરવામાં આવેલા આંદોલન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ આંદોલનના ચાર તબક્કાના કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી. સંકલન સમિતિ દ્વારા શરૂ કરાયેલા આંદોલનમાં ચાર તબક્કા પુર્ણ થયા બાદ હવે આગળની રણનિતી ઘડવાનું નક્કી કરાયું હતું.  આંદોલનમાં હજુ પણ શૈક્ષણિક કામગીરી સિવાયની તમામ કામગીરીના બહિષ્કારની બાબતમાં ક્યાંક ચૂક થતી હોવાની નોંધ સંકલન સમિતિની બેઠકમાં લેવામાં આવી હતી અને તેને લઈને પણ ગહન ચર્ચા કરાઈ હતી. સંકલન સમિતિ દ્વારા આંદોલનના આગામી તબક્કાની રણનિતી જાહેર કરી હતી અને તેના અસરકારક અમલીકરણ માટે બેઠકમાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. સંકલન સમિતિ દ્વારા આંદોલનના આગામી તબક્કામાં 12 ઓગસ્ટ એટલે કે શનિવારના રોજ બપોરના 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી દરેક તાલુકા મથકે આવેલા જાહેર સ્થળ પર ગુજરાતની તમામ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો તથા વહીવટી કર્મચારીઓ પ્લે કાર્ડ સાથે મૌન ધરણા કરશે. ધરણા સ્થળે સંવર્ગ વાઇઝ હાજરી પત્રક નિભાવવામાં આવશે અને તેની કોપી જિલ્લા સંકલન સમિતિએ રાજ્ય સંકલનન સમિતિને મોકલવાની રહેશે. ત્યારબાદ છઠ્ઠા તબક્કાના કાર્યક્રમમાં આગામી 17 ઓગસ્ટથી લઈને 24 ઓગસ્ટ સુધી ગ્રાન્ટેડ શાળાના તમામ કર્મચારીઓ તેમજ સંચાલકો કાળા વસ્ત્રો ધારણ કરી ફરજ બજાવશે. સંકલન સમિતિની પડતર માંગણીઓના અનુસંધાને બ્લેક સપ્તાહ ઉજવવાનું નક્કી કરાયું છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code