અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ પણ રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. તેમજ તેમણે ચૂંટણીમાં ઉમેદવારોની વય મર્યાદા નક્કી હોવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો.
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા રાજકોટમાં છે અને તેમનો પરિવાર રાજકોટમાં વસવાટ કરે છે. તેમજ તેમનું મતદાન માટે નામ પણ રાજકોટમાં નોંધાયેલું છે. રાજકોટમાં હાલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા મતદાન કરવા માટે રાજકોટ આવ્યાં હતા. તેમજ તેમણે રાજકોટમાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ઉમેદવારોની વય મર્યાદા નક્કી હોવી જોઇએ. કોર્પોરેશન, વિદ્યાસભા, લોકસભા કે રાજ્યસભાના ઉમેદવારની વય મર્યાદા નક્કી હોવી જોઈએ. જો વયમર્યાદા નક્કી થાય તો યુવાનોમાં ઉત્સાહ રહે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપ દ્વારા નવા માપદંડ નક્કી કરાયાં હતા. જે અનુસાર 60 વર્ષથી વધુની ઉંમરના નેતાઓને ટીકીટ આપવામાં આવી નથી. આ ઉપરાંત 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓ અને નેતાઓના સંબંધીઓને ટિકીટ નહીં આપવાનો નિર્ણય કરીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જેથી ભાજપના કેટલાક નેતાઓએ નારાજગી પણ વ્યક્ત કરી હતી.