ભાવનગરઃ ગુજરાતમાં 1600 કિ.મીનો દરિયા કિનારો આવેલો છે. અને દુશ્મન દેશ પાકિસ્તાનની દરિયાઈ સરહદ નજીક હોવાથી મરીન પોલીસ ઉપરાંત કોસ્ટગાર્ડને પણ સતત એલર્ટ પર રાખવામાં આવે છે, તાજેતમાં અલંગ શિપ યાર્ડમાં ભંગાણ માટે આવી રહેલા બે જહાજોની કોમ્યુનિકેશનની સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. દરમિયાન રડાર દ્વારા જહાજનો સંપર્ક કરવા છતાં કોઈ જ જવાબ ન મળતા આ અંગે ખંભાતના અખાતના રડાર દ્વારા કોસ્ટગાર્ડ અને મરીન પોલીસને જાણ કરવામાં આવતા દોડદામ મચી ગઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવતા બે જહાજોને વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ (વીટીએમએસ) ખંભાતના અખાતના રડાર દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવતા તે અનુત્તર રહેતા મહુવાથી અલંગના દરિયામાં ભય ફેલાયો હતો. જો કે, અંતે ઘી ના ઠામમાં ઘી પડી જતા એજન્સીઓએ રાહતનો દમ ખેંચ્યો હતો. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પ્લોટ નં.28 ક્રાઉન સ્ટીલ કંપનીમાં ભંગાવા માટે આવતું જહાજ એમ.વી.કોરલને વીટીએમએસ રડાર દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને લગાતાર પ્રયાસો છતા આ જહાજમાંથી કોઇ જવાબ આપવામાં આવી રહ્યો ન હતો. તેથી તેની બાજુમાં ચાલી રહેલા અન્ય જહાજ એમ.વી. સી-ગોલ્ડન જે પ્લોટ નં.87-એમાં ભંગાવા માટે આવતુ હતુ તેનો સંપર્ક કરવામાં આવતા તે પણ અનુત્તર રહેતા સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી લાગવા લાગ્યુ હતુ.
વીટીએમએસ દ્વારા કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી, અને કોસ્ટગાર્ડે પણ હેલિકોપ્ટરની તૈયારીઓ ચાલુ કરાવી દીધી હતી. દરમિયાન જહાજના માલીકોનો પણ વાયા-વાયા સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓએ જણાવ્યુ હતુકે, કોરલ જહાજનું ડિઝલ પૂર્ણ થઇ જતા જનરેટર સહિતના તમામ ઉપકરણો અને એન્જીન બંધ થઇ ગયા છે, તેથી તેને અન્ય જહાજ દ્વારા ખેંચીને અલંગ તરફ લાવવામાં આવી રહ્યું છે. આ બંને જહાજની નજીકથી પસાર થતા અન્ય એક જહાજનો સંપર્ક થતા તેઓએ વીટીએમએસને જાણ કરી હતી કે સી-ગોલ્ડન શિપ કોરલ શિપને ખેંચીને લાવી રહ્યું છે. બાદમાં તમામ એજન્સીઓના શ્વાસ નીચા બેઠા હતા. (file photo)