Site icon Revoi.in

રાજ્ય સરકારે પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા ઈજનેરી કોલેજોના અધ્યાપકોનું આંદોલન મોકૂફ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ઈજનેરી કોલેજોના અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા હતા. પગાર ધોરણ અને બઢતીથી લઈને અધ્યાપકો અન્યાયની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા. આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સહિત ફેકલ્ટીઓમાં અધ્યાપકોને જે લાભો મળે છે. તેવા લાભો ઈજનેરી કોલેજોના અધ્યાપકો મળતા નથી. આ સંદર્ભે રાજ્યના શિક્ષણ વિભાગથી લઈને છેક મુખ્યમંત્રી સુધી રજુઆતો કરવામાં આવી હતી. આખરે રાજ્ય સરકારે ઈજનેરી કોલેજોના અધ્યાપકોના પડતર પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા અધ્યાપકોએ આંદોલન મોકૂફ રાખ્યુ છે.

રાજ્યની સરકારી ઇજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નો જેવા કે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS), સહાયક પ્રાધ્યાપક વર્ગ-2થી સહ પ્રાધ્યાપક વર્ગ-1માં બઢતી, એડહોક સેવા સળંગ, વિનંતી બદલી, વર્ગ-3ના કર્મચારીઓની ભરતી, ક્વોલીટી ઈમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામ (QIP) હેઠળ ઉચ્ચ અભ્યાસ માટે મંજૂરી આપવી વગેરેનું ઘણાં વર્ષોની લેખિત તેમજ મૌખિક રજૂઆતો બાદ પણ ન્યાયિક નિરાકરણ ન આવતાં આંદોલન કરવાના હતા. જોકે, આજથી આંદોલન શરૂ થાય તે પહેલાં જ અધ્યાપક મંડળ સાથે સરકારની બેઠક મળી હતી. જેમાં બાહેધરી આપતા હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે.

ઈજનેરી કોલેજ અધ્યાપક મંડળના સૂત્રોના જણાવ્યા મુજબ અધ્યાપકોએ ગતવર્ષે અસહકારનું આંદોલન કર્યું હતું. જેમાં અધ્યાપકોએ તમામ પ્રકારની બિનશૈક્ષણિક કામગીરીથી અળગા રહી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ આંદોલનની અસર વહીવટી કામગીરી પર થતાં સંયુક્ત નિયામક, ટેકનિકલ શિક્ષણ વિભાગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. પરિણામે તત્કાલીન શિક્ષણ મંત્રીએ સરકારી ઇજનેરી કોલેજ અધ્યાપક મંડળના હોદ્દેદારો સાથે બેઠક કરી પડતર પ્રશ્નો અને ખાસ કરીને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો સુખદ ઉકેલ લાવવાની બાંહેધરી આપતા મંડળે આંદોલન પાછું ખેંચ્યું હતું. ત્યાર બાદ એક વર્ષ જેટલો સમય વીતી જવા છતાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અધ્યાપક મંડળના સભ્યો હતાશા, નિરાશા, ભેદભાવ તેમજ રોષની લાગણી અનુભવતાં હતા અને તા. 5 સપ્ટેમ્બર શિક્ષક દિનથી 3 તબક્કામાં આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યા હતા. આ આંદોલન અંગેની જાણકારી સરકાર સુધી પહોંચતા આ બાબતે અધ્યાપક મંડળના હોદ્દેદારો સાથે અગ્ર સચિવ, સંયુક્ત નિયામક, તેમજ નાયબ નિયામકની હાજરીમાં મિટિંગનું આયોજન કરી દરેક મુદ્દા પર વિગતવાર ચર્ચા કરી હતી. તેમજ સમયમર્યાદામાં ઉપરોક્ત પૈકી અગત્યના પ્રશ્નોનું ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ લાવવા સહમતી દર્શાવીને આંદોલન સ્થગિત કરવા જણાવ્યું હતું. આ પરિસ્થિતિમા મંડળના હોદ્દેદારોએ તમામ સરકારી ઈજનેરી કોલેજોના સ્થાનિક હોદ્દેદારો સાથે ઓનલાઈન મિટિંગનું આયોજન કરી, આંદોલન અંગે ચર્ચા તેમજ ફેર વિચારણાના અંતે સર્વાનુમતે આંદોલન 15 ઓકટોબર સુધી સ્થગિત રાખવા સહમતી આપી છે. (File photo)