અમદાવાદઃ ગુજરાતના આરટીઓના ટેકનીકલ અધિકારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા કેટલાક દિવસથી લડત ચલાવી રહ્યા હતા. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત આરટીઓ કચેરી સામે ઘરણા પણ કરાયા હતા. દરમિયાન ગુજરાત મોટર વ્હિકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ સાથે વાટાઘાટો કરતા અને પ્રશ્નો ઉકેલવાની ખાતરી મળતા એસો. દ્વારા હાલ આંદોલનને સ્થગિત કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગત 26 તારીખથી આરટીઓના ટેકનિકલ અધિકારીઓના ચાલતા વિરોધ પ્રદર્શનનો અંત આવ્યો છે. આરટીઓ ટેક્નિકલ અધિકારીઓ દ્વારા ગાંધીનગરમાં અધિક મુખ્ય સચિવ સાથે પડતર માગણીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત મોટર વ્હિકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા અંદરોઅંદર ચર્ચા વિચારણાના અંતે સરકારી સમક્ષ પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યા બાદ ટેક્નિકલ અધિકારીઓની મુખ્ય માંગણીઓ સંતોષવાનું સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે. સરકારના હકારાત્મક અભિગમ બાદ અસોસિએશન દ્વારા હાલ પૂરતું આંદોલન સ્થગિત કરવામાં આવ્યું છે.
ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર્સ અસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. અને એવું આશ્વાસન આપવામાં આવ્યુ છે. કે, RTOના ટેક્નિકલ ઓફિસરના પ્રોબેશન પિરિયડ પૂર્ણ કરી તેમને હુકમ કરવામાં આવશે. આ ઉપરાંત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર થતી મુશ્કેલી નિવારવા માટે પણ નવા ટ્રેક બનાવવામાં આવશે તથા ટોલનાકા પર થતી મુશ્કેલીનો પણ અંત લાવવામાં આવશે. સરકાર દ્વારા ટેક્નિકલ અધિકારીઓની મુખ્ય માંગણીઓને આગામી 10 દિવસમાં સંતોષાય તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. અધિક મુખ્ય સચિવ અને સરકારના હકારાત્મક ઉત્તરને કારણે આગામી કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે.