ગાંધીનગરઃ ગુજરાત વાહન વ્યવહાર વિભાગ(એસટી)ના કર્મચારીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નોને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી આપી હતી. આખરે સરકારે એસટી કર્મચારીઓની ઘણીબધી માગણીઓ સ્વીકારી લેતા એસટી કર્મચારીઓનું આંદોલન સ્થગિત કરવામાં આવ્યુ છે. અગાઉ એસ.ટી નિગમના ત્રણ સંગઠનો એટલે કે ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ કર્મચારી મંડળ, એસ.ટી કર્મચારી મહામંડળ, એસ.ટી મજદૂર મહાસંઘે સાથે મળીને પોતાની પડતર માંગણીઓને લઇને આંદોલનની જાહેરાત કરી હતી. જે સંદર્ભે આજે 9મી જૂનથી વિવિધ કાર્યક્રમો મારફતે વિરોધ નોંધાવવાના હતા. પરંતુ નિગમના સત્તાધીશો સાથે બેઠકમાં કેટલીક માંગણીઓને સ્વીકારી લેવામાં આવતા હાલ પૂરતું આંદોલન સ્થગિત કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વાહન વ્યવહાર વિભાગમાં કાર્યરત વર્ગ-3 અને 4ના કર્મચારીઓની વિવિધ માંગણીઓ ન સંતોષવામાં આવતા કર્મચારી મંડળ સંકલન સમિતિ દ્વારા 9 જૂનથી 15 જૂન સુધી વિરોધ પ્રદર્શન અને 16મી જૂનથી અચોક્કસ મુદ્દતની માસ સી.એલ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે નિગમના સત્તાધીશો સાથે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં કેટલાક મુદ્દાઓ અંગે નિરાકરણ આવતા આંદોલન હાલ પૂરતું સ્થગિત રાખવામાં આવ્યું છે. સંકલન સમિતિની નિગમના સત્તાધીશો સાથે બેઠકમાં મુખ્યત્વે ડ્રાઇવર અને કંડકટરના ગ્રેડ પેનું નિરાકરણ આવ્યું છે. ફિક્સ પગાર સિવાયના ડ્રાઈવરોને 1800ની જગ્યાએ 1900, જ્યારે કંડકટરોને 1650ના સ્થાને 1800નો ગ્રેડ પે આપવાની માંગને સ્વીકારી લેવામાં આવી છે અને તે અંગેનો પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત કર્મચારીઓને અકસ્માત, ટિકિટ ચોરી, બેદરકારી, મારામારી વગેરે પ્રકારના કિસ્સાઓમાં સખત કાર્યવાહીની બાબતમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યા છે. DA એલાઉન્સ, રજાનું રોકડમાં રૂપાંતર વર્ષ 2021નું બોનસ અંગે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે. ઉપરાંત 600 જેટલા કર્મચારીઓ કે જેવો ડ્રાઇવર અને કંડકટર એમ બંને તરીકે ફરજ બજાવે છે, તેમની કોઈ એક જવાબદારી નક્કી કરવા સંદર્ભે સરકારની મંજૂરી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી આંદોલન હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે.