Site icon Revoi.in

અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં હવે દર મહિને 50 પિલર બનાવાશે

Social Share

વલસાડઃ દક્ષિણ ગુજરાતની સરહદે આવેલા  સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 30 ઓકટોબરે પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે  આ બેઠકના પ્રભારી અને કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ પણ સંઘપ્રદેશમાં આવ્યા છે. રેલમંત્રીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ કહ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રોજેક્ટનું કામ પ્રગતિમાં છે. મહારાષ્ટ્ર સરકાર પણ આ પ્રોજેક્ટ માટે સહયોગ આપશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. રેલમંત્રીએ કહ્યું હતું કે, પ્રોજેક્ટ માટે નવેમ્બર મહિનાથી દર મહિને 50 પીલર બનાવવાની કામગીરી હાથ ધરાશે.

મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ વહેલી તકે પૂર્ણ કરવા વડાપ્રધાન મોદીએ પણ સુચના આપી છે. અને પીએમઓ દ્વારા પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ  હેઠળ અત્યાર સુધીમાં 25 પિલર તૈયાર થઈ ગયા હોવાનું અને જમીન સંપાદન કામગીરી પૂર્ણ કરી ગુજરાતમાં કાર્ય પ્રગતિમાં હોવાનું રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત-મહારાષ્ટ્રમાં આકાર પામનારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. નવેમ્બર માસથી દર મહિને નવા 50 પિલર ઊભા થશે. આ રાષ્ટ્રનો મહત્વનો પ્રોજેક્ટ હોવાથી મહારાષ્ટ્ર સરકાર પણ આ પ્રોજેક્ટમાં સહકાર આપશે તેવો વિશ્વાસ છે.

ઉલ્લેખનીય છે કે, બુલેટ ટ્રેનનું એક સ્ટેશન વાપી અને દાદરા નગર હવેલીની વચ્ચે આવેલા ડુંગરા ગામે બનવાનું છે. જેનું નિર્માણ કાર્ય હાલ તેજ ગતિએ ચાલીએ રહ્યું છે. વાપીમાં બનનારા આ બુલેટ ટ્રેનનું સ્ટેશન અમદાવાદ બાદ સૌથી લાબું સ્ટેશન હશે.આ રેલ પ્રોજેકટમાં સોઈલ ટેસ્ટિંગ માટે અદ્યતન જીઓ ટેક્નોલોજીકલ લેબોરેટરી ઉભી કરવામાં આવી છે. જેનાથી આ પ્રોજેક્ટની ગુણવત્તામાં પણ ખૂબ જ ફાયદો થશે. જે જગ્યાએ જમીન સંપાદન થઈ ચૂકી છે. તેવા તમામ વિસ્તારોમાં બુલેટ ટ્રેનનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રમાં લોકોને પણ બુલેટ ટ્રેન પ્રોજેકટ જરૂરી છે. મહારાષ્ટ્ર સરકાર સાથે વાત કરવામાં આવશે અને આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં જમીન સ્પંદનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.