અમદાવાદ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ભાંગફોડની પ્રવૃતિને લઈને નનામા ફોનને પગલે તંત્ર દોડતું થયું
અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિવસે યોજનારી પરંપરાગત રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદમાં કેટલાક શખ્સો ભાંગફોડની પ્રવૃતિ આચરવા માટે મારક હથિયારો લઈને આવ્યા હોવાનો નનામો ફોન પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. દરમિયાન પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમને એક નનામો ફોન આવ્યો હતો. તેમાં ફોન કરનારે જણાવ્યું હતું કે, 15થી 20 શખ્સો દારૂગોળો તથા અને અન્ય હથિયારો લઈને શહેરમાં આવવાના છે. મધ્યપ્રદેશથી કેટલાક શખ્સો મારક હથિયારો લઈને આવશે અને ગીતા મંદિર, કાલુપુર રેલવે સ્ટેશન સહિતના ભીડવાળા વિસ્તારોમાં અંધાધૂંધ ફાયરિંગ કરશે. પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવેલા નનામા ફોનને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. તેમજ પેટ્રોલીંગ વધારવાની સાથે સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન શહેરના અમરાઈવાડી વિસ્તારમાંથી પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો. તેમજ તેની ઉંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદમાં 20મી જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 145મી પરંપરાગત રથયાત્રા યોજાશે. રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રથયાત્રાનાં રૂટ પર ડ્રોનથી નિરીક્ષણ કરવામાં આવશે. જેમાં ખાસ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવશે. ત્યારે પ્રથમ વખત રથયાત્રામાં ટેલિગ્રામ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.