અમદાવાદઃ કોરોનાના કાળ બાદ સરકારે નિયંત્રણો ઉઠાવી લેતા જનજીવન ધબકતું બનતા વેપાર-ઉદ્યોગમાં પણ તેજી જોવા મળી રહી છે. સાથે જાહેર પરિવહન સેવાને પણ સારી આવક થઈ છે. અમદાવાદ રેલવે ડિવિઝને 15 નવેમ્બરે એક જ દિવસમાં 76 ગુડ્સ ટ્રેનમાં માલના લોડિંગથી રૂ.24.57 કરોડની આવક મેળવી હતી, જે ગત વર્ષના આ જ દિવસની સરખામણીએ લગભગ ત્રણ ગણું વધુ છે, અને અત્યાર સુધીની બીજી મહત્તમ આવક છે. અગાઉ 3 જી સપ્ટેમ્બર,2015એ ડિવિઝને મહત્તમ 24.91 કરોડની આવક થઈ હતી.
પશ્વિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુડ્ઝ પરિવહનમાં પણ અમદાવાદ ડિવિઝન મોખરાની આવક પ્રાપ્ત કરી રહ્યું છે. ગુડ્ઝ પરિવહન વધારવાના અમદાવાદ ડિવિઝને શરૂ કરેલા પ્રયાસોના સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. સાથે જ બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટે 25 જેટલી સ્કીમથી ગ્રાહકોને સામાનના લોડિંગમાં કેટલીક રાહતો આપી છે, જેના પરિણામે ડિવિઝનના ફ્રેઇટ લોડિંગમાં સતત વધારો થઈ રહ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ ડિવિઝને ગત વર્ષે 15મી નવેમ્બરે કોલસાની બે રેક (ટ્રેન)માંથી 1.28 કરોડ, ખાતરના 5 રેકથી 2.05 કરોડ, કન્ટેનરના 29 રેકથી 4.03 કરોડ અને અન્ય સામગ્રીના 3 રેકથી 0.98 કરોડ રૂપિયા સહિત કુલ 39 રેકથી 8.34 કરોડની આવક થઈ હતી. જ્યારે આ વર્ષે 15 નવેમ્બરે કોલસાના 5 રેકથી 4.00 કરોડ, ખાતરના 12 રેકથી 6.99 કરોડ, પેટ્રોલિયમના 1 રેકથી 0.57 કરોડ, કન્ટેનરના 38 રેકથી 6.06 કરોડ, ઓટોમોબાઈલના 3 રેકમાંથી 0.45 કરોડ, મીઠાના 10 રેકમાંથી 4.2 કરોડ, સ્ટીલ પાઇપના 1 રેકમાંથી 0.5 કરોડ તથા અન્ય સામગ્રી મળી કુલ 76 રેકમાંથી 24.57 કરોડની આવક મેળવી છે.